વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 71મા જન્મદિને સમગ્ર દેશમાં હાથ ધરાયેલા મેગા વેક્સિનેશન અંતર્ગત અમદાવાદમાં મહાઅભિયાન યોજાયું હતું. શુક્રવારે શહેરમાં રેકોર્ડબ્રેક 1.51 લાખ લોકોને રસી મૂકવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે મહાઅભિયાનના ભાગરૂપે પ્રત્યેક સેકન્ડે ત્રણ વ્યક્તિને કોરોનાની રસી મૂકવામાં આવી હતી. આરોગ્યકર્મીઓએ 700 સાઈટ પર સવારે આઠ વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી રસીકરણની કામગીરી કરી હતી.
મ્યુનિ. આરોગ્ય અધિકારી ડૉ.ભાવિન સોલંકીએ કહ્યું કે, વડાપ્રધાનના જન્મદિને શહેરમાં ક્યારેય નથી થયું એટલા વેક્સિનેશનનો રેકોર્ડબ્રેક આંકડો સામે આવ્યો છે. સાંજે 8 વાગ્યા સુધીમાં 1.51 લાખ લોકોને રસી મૂકવામાં આવી છે. વેક્સિનેશનનું કામ રાત્રે 12 વાગ્યા સુધી ચાલ્યું હતું. આમ રસીકરણનો આંક દોઢ લાખથી વધવાની શક્યતા છે. અમદાવાદ મ્યુ. કોર્પો. હદ વિસ્તારમાં અત્યાર સુધી 37 લાખ લોકોને રસીનો પ્રથમ અને 17 લાખને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.
અર્બન હેલ્થ સેન્ટર, મ્યુનિસિપલ સ્કૂલો, કોમ્યુનિટી હોલને રસી કેન્દ્ર બનાવી દેવાયાં
શહેરમાં પ્રથમ વખત બીઆરટીએસ બસ સ્ટેશનમાં રસીકરણ માટેનું સેટઅપ તૈયાર કરી લોકોને રસી મૂકવામાં આવી હતી. આ ઉપરાંત અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, મ્યુનિસિપલ શાળા અને કોમ્યુનિટી હોલ વગેરે સ્થળો પર લોકોને રસી મૂકવામાં આવી હતી. સ્લમ વિસ્તારોમાં સામે ચાલીને રસી મૂકવામાં આવી હતી. બીઆરટીએસ સ્ટેશનમાં વેક્સિનની સુવિધા ઉભી કરાતા મુસાફરોને વેક્સિન લેવાની સરળતા રહી હતી.
54 દિવસે કોરોનાના કેસ ડબલ ડિજિટમાં, નવા 11 કેસ
54 દિવસ પછી અમદાવાદમાં કોરોનાના 11 નવા કેસ સામે આવ્યા છે જ્યારે સાત લોકોને જુદી જુદી હોસ્પિટલમાંથી સારવાર બાદ રજા આપવામાં આવી છે. અગાઉ 24 જુલાઈએ કોરોનાના 10 કેસ નોંધાયા હતા. તારીખ 13 સોમવારે શહેરમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોંતો, પરંતુ હવે પાંચ દિવસમાં આ આંકડો 11 સુધી વધ્યો છે. સિનિયર તબીબોના જણાવ્યાં પ્રમાણે અમદાવાદમાં કોરોનાના કેસ વધે નહીં તે માટે લોકોને કોરોના ગાઈડ લાઈનનું ચૂસ્ત પાલન કરવા સિનિયર તબીબો આગ્રહ કરી રહ્યાં છે. બીજી તરફ મ્યુનિ. રસીકરણ ઉપર ભાર મુકે છે. કારણ કે, કોરોના સામે લડવા એક માત્ર રસીકરણ જ અમોઘ શસ્ત્ર છે. અમદાવાદમાં હવે મ્યુનિ. દ્વારા સ્લમ જેવા વિસ્તારોમાં સામે ચાલી રસી આપવાની કામગીરી શરૂ કરાઈ છે.