નવી દિલ્હી: આ વર્ષે ટી 20 વર્લ્ડકપ બાદ ટીમ ઇન્ડિયામાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટી 20 ની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે તો બીજી તરફ ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રી પણ પોતાનું પદ છોડશે. 17 ઓક્ટોબરથી શરૂ થનારા આઈસીસી ટી 20 વર્લ્ડ કપ બાદ ટીમને નવો કેપ્ટન અને કોચ મળશે.
આ દિગ્ગજ ફરી કોચ બની શકે છે
જ્યારથી વિરાટ કોહલીએ ટી 20 ની કેપ્ટનશીપ છોડવાની પોસ્ટ કરી છે ત્યારથી રોહિત શર્માને કેપ્ટન બનાવવાની ચર્ચા છે. પરંતુ આ દરમિયાન એવા અહેવાલો આવ્યા છે કે રવિ શાસ્ત્રી બાદ અનિલ કુંબલે ટીમના કોચ બની શકે છે. ટી 20 વર્લ્ડ કપ બાદ મુખ્ય કોચ રવિ શાસ્ત્રી, બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડિંગ કોચ આર શ્રીધરનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. તેથી જ બીસીસીઆઈ ફરી એકવાર અનિલ કુંબલેને મુખ્ય કોચ બનાવવાનું વિચારી રહી છે. સમાચારો અનુસાર, હવે અનિલ કુંબલેને પરત લાવવા માટે રસ્તો શોધવામાં આવી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે BCCI પ્રમુખ ગાંગુલી ઇચ્છતા હતા કે કુંબલે 2017 માં પણ કોચ તરીકે ચાલુ રહે.
કોહલીના કારણે કુંબલેએ કોચનું પદ છોડ્યું હતું
અનિલ કુંબલે 4 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હતા. પરંતુ તેમનો કાર્યકાળ પૂરો થયા બાદ કોહલીએ કોચ પદ માટે શાસ્ત્રીને ટેકો આપ્યો હતો. તમને જણાવી દઈએ કે કુંબલે 2016 માં મુખ્ય કોચ બન્યા હતા.
શાસ્ત્રી કરાર વધારવાના મૂડમાં નથી
વર્તમાન કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી 20 વર્લ્ડ કપ બાદ જ સમાપ્ત થઈ રહ્યો છે. અહેવાલ અનુસાર, રવિ શાસ્ત્રીએ પોતે પોતાનો કાર્યકાળ વધારવાનો ઇનકાર કર્યો છે. જોકે, બીસીસીઆઈ અને શાસ્ત્રી વચ્ચે હજુ સુધી કોઈ વાતચીત થઈ નથી.
આ કારણે રાહુલ દ્રવિડ કોચ નહીં બને
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડે નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) ના ક્રિકેટ હેડ પદ માટે ફરી અરજી કરી છે, અને નવેમ્બરમાં T -20 વર્લ્ડ કપ બાદ તેઓ તેમની વરિષ્ઠ રાષ્ટ્રીય ટીમમાં મુખ્ય કોચ રવિ શાસ્ત્રીની જગ્યા લેશે તેવી અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. હવે તે ખૂબ જ સ્પષ્ટ છે કે દ્રવિડ ભારતના આગામી કોચ બની શકશે નહીં.