ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતી કાલે દિલ્હીના પ્રવાસે છે. જ્યાં તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાજીને પણ શુભેચ્છા મુલાકાત માટે મળવાના છે.ત્યારબાદ સોમવાર રાત્રે દિલ્હીથી અમદાવાદ આવશે.
6 દિવસ પહેલા ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા
6 દિવસ પહેલા ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે 2.20 મિનિટે સમયસર શપથ ગ્રહણ કર્યા હતા. અહીં તેમણે સૌથી પહેલી મિટિંગ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે ઉદભવેલી ઈમરજન્સીની સ્થિતિની કરવી પડી હતી. તાકીદે બોલાવેલી આ બેઠકમાં જ તેમણે જામનગરમાં જરૂરી પગલાં અંગે જિલ્લા કલેક્ટરને સૂચનાઓ આપી હતી. શપથ લીધા બાદ તરત ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા. શપથવિધિ દરમિયાન વિજય રૂપાણી, નીતિન પટેલ સહિતના પૂર્વ મંત્રીઓ હાજર રહ્યા હતા. એ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલનો પરિવાર પણ ઉપસ્થિત રહ્યો હતો. RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ કમલમ્ ખાતેથી રાજભવન ખાતે પહોંચી ગયા હતા. શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો પણ પહોંચી ગયા છે. પત્ની, પુત્ર, પુત્રવધૂ,પૌત્રી,પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા હતાં. નીતિન પટેલ તથા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ભૂપેન્દ્ર પટેલને અભિનંદન પાઠવ્યાં હતાં.