કચ્છના ગામે ગામ કૃષ્ણ જન્મોત્સવ, આરતી તથા મટકીફોડ સહિતના કાર્યક્રમો યોજાશે
કચ્છમાં દરેક તહેવારની અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે, કેમ કે દરેક તહેવારની એક અલગ મજા છે અને કચ્છીઓ તહેવારના દરેક રંગને પોતાની આગવી શૈલીથી માણતા હોય છે. આવો જ એક અનોખો તહેવાર છે જન્માષ્ટમી એટલે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ.
કચ્છના લોકો જ્યારે એકબીજાને મળે ત્યારે તથા કોઇ અજાણ્યા સાથેની પ્રથમ મુલાકાતમાં `જય શ્રીકૃષ્ણ’ કહીને સંબોધન કરે છે, ત્યારે કચ્છી હૈયાંમાં વસતા કૃષ્ણપ્રેમનો સંકેત આપે છે. આવી સંસ્કૃતિમાં જ્યારે કૃષ્ણ જન્મોત્સવ આવે ત્યારે તે માત્ર તહેવાર નહીં, પરંતુ એક ઉત્સવ બની જાય છે.
કચ્છમાં વસતા અલગ-અલગ સંપ્રદાયો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી ભલે જુદી-જુદી રીતે કરવામાં આવતી હોય પરંતુ તમામનો ભાવ શ્રીકૃષ્ણમય બનવાનો જ હોય છે.
કચ્છમાં વસતા આહિર સમાજમાં જન્માષ્ટમીની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે. ભગવાન શ્રીકૃષ્ણના સીધા વંશજ એટલે યાદવો-આહીરો, આવતતીકાલે જન્માષ્ટમી ઊજવાશે ત્યારે આહિર સમાજના ગામોનો આનંદ, માહોલ અનેરો હશે. જન્માષ્ટમી પર્વ આવે એટલે દિવસો પહેલાંથી આહીરોની વસ્તીવાળા ગામ કૃષ્ણભક્તિના રંગે રંગાઈ જાય.
ક્યાંક 20 તો ક્યાંક 15 ફુટ ઉંચાઇએ લટકાવાતી મટકી
કચ્છમાં આહીરોની વસ્તીવાળું સૌથી મોટું ગામ રતનાલ છે. અહીં જન્માષ્ટમીએ ગાર-માટીના રાધા-કૃષ્ણની પ્રતિમા બનાવાય છે. પરંપરાગત વત્રોમાં સજ્જ થઇને સવારથી પુરુષો, મહિલાઓ, બાળકો પાતાળેશ્વરનાં દર્શને જાય છે. તળાવની માટીમાંથી મૂર્તિ બનાવે છે. ગોર ધારણ કરનાર બહેનોને ઘણીવાર શ્રીકૃષ્ણ હોય એટલું વજન અનુભવાય તેવા અનુભવ પણ થયા છે. આ ઉપરાંત મમુઆરામાં પણ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મટકીફોડ ઉત્સવ ઊજવાય છે, આ વર્ષે 101મી મટકીફોડ કરવામાં આવશે. જેમાં 15 ફૂટ ઊંચી પર મટકી લટકાવવામાં આવશે, જેમાં 150 જેટલા લોકો મટકીફોડમાં જોડાય છે. રાત્રે 12 વાગ્યે બાળકૃષ્ણ સ્વરૂપ નાના બાળકને ટોપલામાં રાખી હનુમાન મંદિરથી રાધેકૃષ્ણ મંદિર સુધી વાજતે-ગાજતે લઈ જક્વાયાય છે, ત્યારબાદ મટકીફોડ યોજાય છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા 40 વર્ષથી ભુજના શિરોમણિરાયજી મંદિરમાં જળવાતી પરંપરા
ભુજના શિરોમણિરાયજી મંદિરમાં છેલ્લાં 40 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા, મટકીફોડ અને જન્મોત્સવ કાર્યક્રમ યોજાતા રહ્યા છે. પ્રવીણભાઈ પૂજારાના જણાવ્યા મુજબ અમુક જગ્યાએ મટકીઓ 15થી 20 ફૂટ જેટલી ઊંચાઈએ લગાવવામાં આવે છે. શિવરામ મંડળ, વંડી ફળિયા ગ્રુપ, ઘેરવાળી વંડી ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ ગ્રુપ સહિતની ટીમો મટકીફોડમાં ભાગ લે છે. દરેક ગ્રુપને મટકી ફોડવા ત્રણ તક અપાય છે અને જો કોઈ ગ્રુપ નિષ્ફળ જાય તો બીજા ગ્રુપને તક મળે છે. આ ઉપરાંત સ્વામિનારાયણ મંદિર, મન મોહનરાયજી મંદિર, દ્વારકાધિશ મંદિર સહિતના મંદિરોમાં પણ જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે.
ભચાઉમાં લોકમેળામાં ફેરવાતો જન્માષ્ટમીનો તહેવાર
ભચાઉમાં જન્માષ્ટમી એ એક દિવસનો જ તહેવાર નથી પરંતુ આ દિવસે સમગ્ર શહેર લોકમેળામાં ફેરવાઈ જાય છે. ભવાનીપુર, ભાવેશ્વર સોસાયટી, મુખ્ય બજાર, શિવાજી ગેટ, ઘંટી ચોક, મહારાણા પ્રતાપ ચોક, મંગલેશ્વર મહાદેવ મંદિર અને રામલાલ મંદિર સુધીના માર્ગો રંગીન શોભાયાત્રાઓ અને મટકીફોડના જુસ્સાભેર કાર્યક્રમોથી ગુંજી ઊઠે છે. ભચાઉ યુવક મંડળના અધ્યક્ષ કુલદીપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ થાય છે, જ્યારે પાટીદાર સમાજ પણ પોતાનાં અનોખાં આયોજન દ્વારા મટકીફોડની ઉજવણી કરે છે.
આ ઉપરાંત દર વર્ષે ગાંધીધામ અને આદિપુરના મટકીફોડ કાર્યક્રમોમાં પરંપરા સાથે ઉજવાય છે. જે સ્થાનિકો માટે ખાસ આકર્ષણ બની રહે છે. ગાંધીધામમાં જન્માષ્ટમી નિમિત્તે ભારતનગર, મુખ્ય બજાર સહિતના વિવિધ વિસ્તારોમાં મટકીફોડ યોજાય છે. ગયા વર્ષે મહિલા પોલીસ ટીમે ઉત્સાહપૂર્વક મટકીફોડ કરી હતી.
દેશમાં ગોકુળ,મથુરા,વ્રજભૂમિ બાદ એકમાત્ર સતાપરમાં જ ઉજવાતો નંદ મહોત્સવ
જન્માષ્ટમી ઉત્સવ સમિતિ દ્વારા આદિપુરમાં 80 મટકીફોડ યોજાઇ હતી. આદિપુરના તોલાણી ગોપાલ સ્ટેડિયમમાં ક્રિષ્ના કોલેજિયન ગ્રુપ અને એબીવીપી ગ્રુપ દ્વારા મટકીફોડ કાર્યક્રમ યોજાયો હતો. આદિપુરમાં મટકીફોડની પરંપરા છેલ્લા 11 વર્ષથી સતત ચાલી રહી છે.
અંજારમાં જન્માષ્ટમીના બીજા દિવસે નોમના ભારતમાં ગોકુળ, મથુરા, વ્રજભૂમિ બાદ એકમાત્ર કચ્છના અંજારના સતાપરમાં ગોવર્ધન પર્વત ખાતે નંદ મહોત્સવ ઊજવાય છે. કૃષ્ણ ભગવાનના જન્મ સમયે મધરાત્રિએ વાસુદેવ મહારાજ નંદના ઘરે ભગવાનને ગોકુળમાં મૂકી આવે છે.
નંદ મહોત્સવ મનાવવાની પરંપરાને મહંત ત્રિકમદાસજીએ કાયમ રાખી
નવના દિવસે લાલાનો જન્મ થયો તેમ નંદ મહોત્સવની પરંપરાને મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ દ્વારા કાયમ રખાઈ છે. આ ઉપરાંત યદુવંશી સોરઠિયા સમાજની રવાડી નીકળે છે અને અજેપાળની સમાધિ સુધી મટકીફોડનો ઉત્સવ ચાલે છે. – માંડવીમાં આઝાદ ચોકમાં મટકીફોડ દ્વારા કૃષ્ણ જન્મોત્સવમાં ભક્તિના રંગે રંગાવા દરેક હિન્દુ સમાજના લોકો એકતાના ભાવ સાથે જોડાય છે. મટકીફોડમાં ત્રણ ઇનામો પણ આપવામાં આવે છે. નાનાં બાળકો માટે વિશેષ પ્રસંગ હોય છે, જ્યાં તેમને રંગબેરંગી વેશભૂષા સાથે ભાગ લેવા પ્રોત્સાહન મળે છે. સ્વામિનારાયણ મંદિર, મુરલી મનોહર મંદિર, શિશુ મંદિર અને સત્યનારાયણ ચોકમાં પણ ઉજવણી કરાય છે. જે શહેરમાં ભક્તિ અને આનંદનો માહોલ સર્જે છે.
જન્માષ્ટમીએ કાન્હાને પ્રિય ભોગ ધરાવવાની પરંપરા છે. ચણાના લોટને શુદ્ધ દેશી ગાયના ઘીમાં શેકીને ખાંડની ચાસણી ઉમેરી બનાવવામાં આવતી (શ્રીકૃષ્ણનું એઁક નામ મોહન છે) મોહનને પ્રિય વાનગી, જેને મોહનથાળ કહે છે. તેનો ખાસ પ્રસાદ પીરસવામાં આવે છે આ ઉપરાંત બાળગોપાલને પ્રિય માખણ-મિસરી જે ઘરના બનેલા તાજા માખણમાં ખાંડ અથવા મિસરી, દૂધ તેમજ ઈલાયચી, સૂકા મેવા ઉમેરીને બનાવવામાં આવતી વાનગી પ્રસાદરૂપે ધરાવવામાં આવે છે.