શું તમે ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો? તો જાણી લો આ નિયમ વિશે જે આગામી મહિનાથી લાગુ થશે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ ઓટો ડેબિટ સિસ્ટમને મોબાઈલ બીલ, અન્ય યુટિલિટી બિલ અને ઓટીટી પ્લેટફોર્મ પર સબ્સ્ક્રિપ્શન માટે ઓટો ડેબિટ સિસ્ટમની અંતિમ તારીખ તરીકે 30 સપ્ટેમ્બર 2021 નક્કી કરી છે. એટલે કે 1 ઓક્ટોબરથી દેશમાં ઓટો-ડેબિટ ટ્રાન્ઝેક્શનમાં ફેરફાર થવાનો છે.
શું છે નવો નિયમ?
આ નિયમો હેઠળ સપ્ટેમ્બરથી બેંકોએ ગ્રાહકને ઓટો-ડેબિટ પેમેન્ટની તારીખના પાંચ દિવસ પહેલા નોટિફિકેશન મોકલવું પડશે. ગ્રાહક મંજૂરી આપે તો જ ચુકવણી કરવામાં આવશે. આ સિવાય જો પેમેન્ટની રકમ 5,000 રૂપિયાથી વધુ હોય તો બેંક ગ્રાહકને OTP પણ મોકલશે.
સરળ ભાષામાં, ઓક્ટોબરથી નવી ઓટો ડેબિટ પેમેન્ટ સિસ્ટમ અમલમાં આવ્યા બાદ બેન્કો અને પેટીએમ-ફોન પે જેવા ઓનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મે દર વખતે હપ્તા કે બિલના પૈસા કાપતા પહેલા ગ્રાહકો પાસેથી તેમની પરવાનગી લેવી પડશે. તેની મંજૂરી બાદ જ નાણાં કપાશે. આ સુવિધા મેળવવા માટે, તમારો મોબાઇલ નંબર બેંકમાં અપડેટ કરવો જરૂરી છે. આ એટલા માટે છે કારણ કે ઓટો ડેબિટ સંબંધિત સૂચના તમારા મોબાઇલ નંબર પર જ SMS દ્વારા મોકલવામાં આવશે.
અગાઉ 31 મી માર્ચ 2021 છેલ્લી તારીખ હતી
અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 હતી. એટલે કે, 1 એપ્રિલ, 2021 થી, આ સિસ્ટમમાં ફેરફાર થવાનો હતો. બેંકો અને પેમેન્ટ પ્લેટફોર્મ માંગ કરી રહ્યા છે કે તેમને નવી સિસ્ટમ લાગુ કરવા માટે થોડો સમય આપવામાં આવે. કેન્દ્રીય બેંકે આ તારીખ લંબાવી જેથી ગ્રાહકોને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.
પરિવર્તન કેમ થઈ રહ્યું છે?
અત્યારે મોટાભાગના લોકો પોતાનો મોબાઈલ, પાણીનું બિલ વગેરે બિલ ઓટો પેમેન્ટ મોડમાં મૂકે છે. એટલે કે, ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ અથવા બેન્કો ગ્રાહક પાસેથી પરવાનગી લીધા પછી કોઈપણ માહિતી વગર દર મહિને ખાતામાંથી નાણાં કાપી લે છે. આ છેતરપિંડીની શક્યતા વધારે છે. તેથી, વધતી જતી છેતરપિંડીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
લાખો ગ્રાહકોને અસર થશે
નવા નિયમોના અમલથી લાખો ગ્રાહકો પ્રભાવિત થશે. જો કે, આ પ્રકારની ઓટો-ડેબિટ ચુકવણીઓ UPI ની ઓટોપે સિસ્ટમથી પ્રભાવિત થશે નહીં. બેંકોએ આ નવા નિયમ વિશે પોતાના ગ્રાહકોને જાણ કરવાનું શરૂ કર્યું છે. દેશની સૌથી મોટી ખાનગી બેંક એક્સિસ બેંકે તેના ગ્રાહકોને ઓટો ડેબિટ નિયમ વિશે માહિતી આપી છે.