ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈ ઉપર કોર્પોરેશન કેમ મહેરબાન ? 34 લાખનો ટેક્ષ બાકી છતાં કોઈ જ પગલાં કેમ નહીં ?
અમદાવાદ શહેરમાં આવેલા મનોરંજનના સ્થળોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા કોન્ટ્રાક્ટરો મોટાભાગે શાસકોના માનીતા કાર્યકર્તા કે પૂર્વ કોર્પોરેટરોના સંબંધીઓને આપવામાં આવે છે. કાંકરીયા લેકફ્રન્ટના ત્રણેક વર્ષ પહેલાં રાઈડ્સ પડવાની દુર્ઘટનામાં જેનો કોન્ટ્રાક્ટ હતો એવા ભાજપના પૂર્વ કોર્પોરેટર મહેન્દ્ર પટેલના ભાઈ ઘનશ્યામ પટેલની સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો હતો. વસ્ત્રાપુર લેકમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ પણ આ જ કંપનીનો છે જેના પર ભાજપના શાસકો અને અધિકારીઓની મહેરબાની છે કે છેલ્લા 10થી વધુ વર્ષથી તેઓને રૂ. 34 લાખ જેટલો ટેક્સ ભરવાનો થતો હોવા છતાં તેઓએ ભર્યો નથી. બીજી તરફ રિક્રિએશનલ કમિટિના ચેરમેન એમના પર મહેરબાન થઈ કોન્ટ્રાક્ટરે ભાવ વધારાની દરખાસ્ત મૂકી તો તેઓએ વધારી પણ આપી છે.
સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ કંપની કોર્પોરેશનને એકતરફ પૈસા નથી ચૂકવતી અને બીજી તરફ તેને લોકડાઉનમાં બંધનો લાભ આપી એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવવા દેવા અને ભાવ વધારો કરી આપવામાં આવતા વિવાદ સામે આવ્યો છે. માત્ર આ એક જ વિવાદ નથી.
મ્યુનિસિપલ કોર્પોરેશન વતી કમિશનર અને સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની વચ્ચે થયેલા કરારમાં 41 નંબર ઇ શરત મુજબ જો કોઈપણ સંજોગોમાં અને કોઈપણ કારણોસર જેવા કે રાષ્ટ્રીય શોક, કરફ્યુ કે અન્ય કારણોસર એમ્યુઝમેન્ટ પાર્ક બંધ રહેશે તો તેની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે નહીં. તેટલા સમયનું વળતર પણ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કને આપવામાં નહિ આવે. આ શરત હોવાં છતાં પણ રિક્રિએશનલ એન્ડ હેરિટેજ કમિટિના ચેરમેને આ દરખાસ્ત મંજૂર કરી દીધી હતી તેમજ આ ભાવ વધારાની દરખાસ્ત આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટિમાં મુકવામાં આવી છે.
રિક્રિએશનલ એન્ડ હેરિટેજ કમિટિના ચેરમેન અને ઓઢવના કોર્પોરેટર રાજેશ (રાજુભાઈ) દવેને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ કંપનીનો ટેક્સ બાકી છે તો નિયમ મુજબ ટેક્સ વસૂલવામાં આવે અથવા સીલ મારવામાં આવે. જ્યારે સમય વધારા અંગે તેઓએ જણાવ્યું હતું કે કમિશનરમાંથી ફાઇલ પાસ થઈ અમારી પાસે આવી છે. જ્યારે ટેક્સ વિભાગના અધિકારી દેવાશિષ બેનર્જીએ જણાવ્યું હતું કે સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કનો રૂ. 34 લાખનો ટેક્સ બાકી છે.
અમદાવાદ શહેરના વેપારીઓ જેમનો પાંચ-દસ હજારનો ટેક્સ બાકી હોય તો નોટિસ આપી દુકાનો સીલ કરવામાં આવે છે જ્યારે સુપર સ્ટાર એમ્યુઝમેન્ટના વર્ષોથી રૂ. 34 લાખનો ટેક્સ બાકી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને કંપનીને ફાયદો થાય તેના માટે ભાવવધારો કરવામા આવ્યો છે.
રિક્રિએશનલ કમિટીમાં લોકડાઉનના સમયનો લાભ આપી વસ્ત્રાપુર લેકના એમ્યુઝમેન્ટ પાર્ક ચલાવતાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈની કંપનીને સમયમર્યાદા વધારવાની દરખાસ્ત રિક્રિએશનલ કમિટિનાં ચેરમેન દ્વારા મુકાઈ હતી. પરંતુ ભાવવધારવાની દરખાસ્ત ન હોવા છતાં પાછલા દરવાજે કંપનીને ફાયદો કરાવવા માટે ભાવવધારો કરી આપ્યો અને સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મૂકી છે.