પુત્રવધૂએ એક વર્ષના લગ્નજીવન બાદ સસરા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ 10 વર્ષે છૂટાછેડા મેળવ્યા અને પતિ બીજે લગ્ન કરવા તૈયાર થયો ત્યારે પત્નીએ પતિ સાથે રહેવા હાઈકોર્ટમાં અરજી કરી. આ અંગે સુનાવણી દરમિયાન પતિ તરફથી એવી દલીલ કરવામાં આવી કે, તેની પત્નીએ એક વર્ષના લગ્નજીવનમાં તેના પિતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી અને તે કેસમાં પિતા નિર્દોષ છૂટી ગયા હતા. પતિએ એવી પણ દલીલ કરી હતી કે, મારા પિતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી તેના આઘાતથી પિતાને લકવો થયો હતો. માનસિક ત્રાસને લીધે તેઓ પથારીવશ રહ્યા હતા, પરંતુ મારી પત્ની એક દિવસ પણ તેમની ખબર કાઢવા આવી નથી કે એકપણ ફોન કર્યો નથી. આવી વ્યક્તિ સાથે હું રહી શકું નહિ.
કેસની હકીકત જાણ્યા પછી હાઈકોર્ટે કહ્યું કે, આવી વ્યક્તિ સાથે કેવી રીતે ફરીથી જીવન જીવી શકાય? અમને લાગે છે કે પત્નીએ ભરણપોષણ મેળવીને પતિને છોડી દેવા જોઈએ. બંને પોતાના રસ્તે સુખી રહેવા તૈયાર થાવ અને બાળકના ભવિષ્યની ચિંતા કરો.
કેસની વિગત પ્રમાણે, વર્ષ-2003માં લગ્ન કર્યા બાદ એક જ વર્ષમાં સસરા સામે પુત્રવધૂએ દુષ્કર્મ અને દહેજની ફરિયાદ નોંધાવી હતી. આ આઘાતમાં આવીને તેના સસરાને લકવો થઈ ગયો હતો તેમ છતાં પુત્રવધૂએ વધુને વધુ ફરિયાદો કરીને હેરાન કરતી હતી. તેણે પતિનું ઘર પણ છોડી દીધુ હતું. ત્યાર બાદ પરિવારના સભ્યોની દખલગીરી બાદ બંને વચ્ચે સમાધાન થયું હતું. સમાધાન બાદ ફરીથી બંને વચ્ચે ઝઘડા થયા હતા. સમાધાન બાદ તેમને દીકરો જન્મ્યો હતો.
આ દીકરાના જન્મ બાદ પતિને પણ તેને મળવા દેવામાં આવતો નહોતો અને પત્નીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણ મેળવવા અને છૂટાછેડા માટે અરજીઓ કરી હતી, છૂટાછેડા બાદ 10 વર્ષે પતિ બીજા લગ્ન કરવા તૈયાર થયો ત્યારે પત્નીએ હાઈકોર્ટમાં છૂટાછેડાની અપીલને પડકારીને પતિ સાથે રહેવા તૈયારી દર્શાવી છે. હાઈકોર્ટે ટકોર કરી પૂછ્યું કે કે, તમે સસરા સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે તો પણ હવે તેમના ઘરે સાથે રહેવા જવું છે? વધુ સુનાવણી મંગળવાર યોજાશે.
હવે ભેગા રહેવા પાછળ ઇરાદો શું છે?: હાઇકોર્ટ
લગ્ન બાદ માંડ એક વર્ષ સુધી સાથે રહ્યા પછી પત્નીએ તેના સસરા સામે દુષ્કર્મની ફરિયાદ કરી હતી. એટલું જ નહિ તેણે પતિનું ઘર છોડી દીધું હતું. ત્યાર બાદ લાંબા સમય સુધી પત્ની તેના પુત્રને લઈને પતિથી દૂર રહી હતી. ફેમિલી કોર્ટે છૂટાછેડા આપી દીધા બાદ પતિ બીજા લગ્ન માટે તૈયારી કરી રહ્યો છે ત્યારે પત્નીને પતિની સાથે રહેવા માટે કોર્ટમાં અરજી કરી, જેના લીધે કોર્ટે એવી ટકોર કરી હતી કે ભેગા રહ્યા તેના કરતાં બંને જુદા વધારે રહ્યાં છો. હવે ભેગા રહેવા પાછળ ઇરાદો શું છે? કોર્ટે પત્નીને ભરણપોષણની રકમ મેળવીને છૂટા પડવા સૂચન કર્યંુ હતું.