કિરણ હોસ્પિટલમાં પહેલી વખત લીવર ટ્રાન્સપ્લાન્ટ: રસ્તા અકસ્માતમાં ભોગ બનેલી વલસાડની યોગા શિક્ષકના અંગદાનને કારણે 5 ને નવું જીવન મળ્યું
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી ઘણીવાર અંગદાન કરવામાં આવે છે. પરંતુ આધુનિક મેડિકલ સુવિધાઓ ન મળવાને કારણે અહીં અંગ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ ન હતી. પરંતુ હવે આ સુવિધા કિરણ હોસ્પિટલમાં ઉપલબ્ધ થઇ ચુકી છે. શનિવારે કિરણ હોસ્પિટલમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પહેલી વખત લીવર ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
અંગ ટ્રાન્સપ્લાન્ટની સુવિધા અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને ચેન્નઈ જેવા મહાનગરોમાં ઉપલબ્ધ છે. પરંતુ સુરતમાં અંગદાનની બાબતમાં લોકો ખૂબ જ જાગૃત છે. તેથી, સુરતમાં પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ હોવી જોઈએ તેવી લાંબા સમયથી માંગ હતી. જોકે ત્યાં કોઈ સરકારી હોસ્પિટલ નથી, પરંતુ આ સુવિધા હવે કતારગામ સ્થિત કિરણ હોસ્પિટલમાં શરૂ થઈ ગઈ છે.
વલસાડમાં રહેતા યોગ શિક્ષક 40 વર્ષીય રંજનબેન પ્રવીણભાઈ ચાવડા, તેની બહેન સાથે મોપેડ ગાડી પર જતા હતા, 30 સપ્ટેમ્બરના રોજ માર્ગ અકસ્માતનો શિકાર બન્યા. વલસાડની લોટસ હોસ્પિટલમાં કરવામાં આવેલા સીટી સ્કેનમાં બ્રેઈન હેમરેજ જણાવતા. આ પછી તેને સુરત એપલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં ન્યુરો સર્જન ડો.કે.સી.જૈને સારવાર શરૂ કરી હતી. શનિવારે રંજનબેનને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. પરંતુ સમજાવટ બાદ તેના પરિવારના સભ્યો તેમના અંગોનું દાન કરવા તૈયાર થયા.
સુરત કિરણ હોસ્પિટલના ડોક્ટર રવિ મોહનકા અને તેમની ટીમે લીવર ડોનેશન સ્વીકાર્યું. અમદાવાદની આઈકેડીઆરસી હોસ્પિટલે બંને કિડની સ્વીકારી હતી, જ્યારે લોક દ્રષ્ટિ આઈ બેન્કે દાન કરેલા કોર્નિયાનો સ્વીકાર કર્યો હતો. લીવર ટ્રાન્સપ્લાન્ટને ડો.રવિ, ડો.પ્રશાંત અને તેમની ટીમ દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું. ડોક્ટરોનું કહેવું છે કે સુરતની હોસ્પિટલમાં આ સુવિધા મળ્યા બાદ હવે સુરત સહિત દક્ષિણ ગુજરાતના લોકો પણ તેનો લાભ લઈ શકશે