ભારતની જેમ પશ્ચિમ એશિયન દેશ લેબનોનમાં પણ વીજ સમસ્યા ગંભીર બની છે. ઈંધની અછતના કારણે આખું લેબનોન અંધારપટમાં ડૂબી ગયું છે.
દેશમાં અનેક દિવસો માટે વીજકાપની જાહેરાત કરાઈ છે. લેબનોનના બે સૌથી મોટા વીજ સ્ટેશનો કામ કરતા બંધ થઈ ગયા છે. બીજીબાજુ ચીનમાં પણ વીજળીની સમસ્યા ગંભીર બની છે. ચીનમાં ૭૦ ટકા વીજ ઉત્પાદન કોલસા પર ર્નિભર છે ત્યારે પ્રમુખ શી જિનપિંગના કેટલાક ખોટા ર્નિણયોના કારણે વીજકટોકટી વધુ ઘેરી બની હોવાનું કહેવાય છે.
સ્કાય ન્યૂઝના રિપોર્ટ મુજબ લેબનોનના અલ ઝહરાની અને દીર અમ્માર વીજળી સ્ટેશનો પર ઊર્જા ઉત્પાદન ૨૦૦ મેગાવોટથી ઘટયું છે. ઈંધણની અછતના કારણે લેબનોનની અનેક ફેક્ટરીઓ બંધ કરી દેવાઈ છે. તેના કારણે ખાવા-પીવાના સામાનની પણ અછત સર્જાઈ છે. લોકો કાળાબજાર મારફત સામાન ખરીદવા મજબૂર બન્યા છે. પેટ્રોલ પંપો પર પણ વાહનોની અનેક કિ.મી. લાંબી લાઈનો જાેવા મળી રહી છે.
સંયુક્ત રાષ્ટ્રના અંદાજ મુજબ લેબનોનમાં આગામી દિવસોમાં ઈંધણની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. દેશની ૭૯ ટકા વસતી ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહી છે. વધતી બેરોજગારી અને ચલણના અવમૂલ્યને પણ સમસ્યા ઊભી કરી છે. દરમિયાન રાજકીય અસ્થિરતાએ આ સમસ્યામાં વધારો કર્યો છે. દરમિયાન ચીન અત્યારે અનેક દાયકાની સૌથી ગંભીર વીજ સમસ્યાનો સામનો કરી રહ્યું છે. તેની અસર ચીનની સંપૂર્ણ સપ્લાય ચેન પર પડી રહી છે. પરીણામે કોરોના મહામારી પછી સુધારાના માર્ગે આગળ વધતા વૈશ્વિક અર્થતંત્રને પણ નુકસાન થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. મોટાભાગે આ સમસ્યાનું કારણ વીજ ઉત્પાદન માટે કોલસા પર ચીનની ર્નિભરતા મનાય છે. વિદેશ નીતિના એક રિપોર્ટમાં આ સમસ્યા માટે જિનપિંગ સરકારના કેટલાક ખોટા ર્નિણયોને પણ જવાબદાર ઠેરવી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે સરકારે નીતિગત સ્તરે કેટલાક ખોટા ર્નિણયો કર્યા હતા. વીજળીની સમસ્યાના કારણે જ સપ્ટેમ્બરમાં ચીનમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો હતો.
રિપોર્ટમાં કહેવાયું છે કે વીજળી ઉત્પાદકોને ચૂકવાતી કિંમત સરકાર નક્કી કરે છે, પરંતુ કોલસાના ભાવ વૈશ્વિક બજાર પર ર્નિભર છે. વૈશ્વિક સ્તરે કોલસાના ભાવ વધ્યા છે. એવામાં મોંઘા કોલસા સાથે નુકસાનમાં વીજળી વેચવી વીજકેન્દ્રો માટે શક્ય નથી. ચીન વીજળી ઉત્પાદનમાં ૭૦ ટકા કોલસા પર ર્નિભર હોવાથી સમસ્યા વધી છે.
રિપોર્ટ મુજબ દુનિયામાં માગ વધવાથી કોલસો મોંઘો થયો છે ત્યારે ચીન સરકારે સ્થાનિક કોલસા કંપનીઓને કિંમત વધારવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આથી અનેક કંપનીઓએ કોલસાના ઉત્પાદનમાં કાપ મૂક્યો છે. વીજળીની અછતના કારણે ટેક્નોલોજી, કાગળ, ફૂડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને કાપડ ઉદ્યોગ પર ગંભીર અસર પડી છે. મોંઘવારીનું દબાણ પણ વધ્યું છે. વીજળીની અછતના કારણએ એપલ, ટેસ્લા જેવી કંપનીઓએ ઉત્પાદનમાં કાપ મૂકવો પડયો છે.