વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સૌની નજર વિધાનસભાની ચૂંટણી પર છે. મતદાન પહેલા ગુજરાતમાં કોની સરકાર બનશે તે માટે સટ્ટાબજારમાં કરોડોનો સટ્ટો લાગી રહ્યો છે. અા વખતે ભાજપ 118થી 120 બેઠક મેળવશે તેમજ કોંગ્રેસ 80થી 100 બેઠક મેળવશે તેવી અટકળો લગાવાઈ રહી છે.
ભાજપ પર અત્યારે 1 રૂપિયો લગાવતા 1 રૂપિયો 25 પૈસા જ્યારે કોંગ્રેસ પર 1 રૂપિયાનાં 3 રૂપિયા મળે છે નવેમ્બરમાં અા જ કોંગ્રેસની હાર પર સૌથી વધુ સટ્ટો ખેલાયો હતો, ત્યારે સટ્ટાબજારમાં કોંગ્રેસ પર 1 રૂપિયાનાં 7 રૂપિયા મળતા હતા. અા ચૂંટણીમાં જીતની ઓછી શક્યતા ધરાવતી પાર્ટીઓમાં અાપ અને શિવસેનાનો સમાવેશ થાય છે. અાપની જીત પર 1 રૂપિયાનાં 25 રૂપિયા જ્યારે શિવસેનાની જીત પર 1 રૂપિયાનાં 30 રૂપિયા અાપવામાં અાવે છે. 14 ડિસેમ્બર પછી બીજા ચરણનું મતદાન થયા બાદ પરિણામ સુધીમાં 1,200-1,500 કરોડ રૂપિયાનો સટ્ટો રમાય તેવી શક્યતા છે.
તમને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી બે ચરણમાં થશે. પ્રથમ ચરણ 9 ડિસેમ્બરે 89 વિધાનસભા બેઠકો માટે જ્યારે બીજા ચરણમાં 14 ડિસેમ્બરે 93 વિધાનસભા બેઠકો માટે ચૂંટણી થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં 18 ડિસેમ્બરે મતગણતરી થશે.ગુજરાત વિધાનસભામાટે અા વખતે 50,128 પોલિંગ બૂથ તૈયાર કરાયા છે.