ગુજરાત વિધાનસભાચૂંટણીમાં અમદાવાદની 21 વિધાનસભા બેઠકો પર આગામી 14 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. આ માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અાગામી ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તે માટે તંત્ર દ્વારા અમદાવાદમાં ૪૫૮ વ્હીલચેરની વ્યવસ્થા કરાઇ છે. તેમજ દિવ્યાંગ મતદારો માટે ૯૦૭ સહાયકોને પણ ખડેપગે રાખવામાં આવશે.
અમદાવાદ જિલ્લામાં કુલ ૫૨.૭૫ લાખ મતદારોમાંથી ૮,૨૩૬ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. જેમાં ૫૭૭ પ્રજ્ઞાચક્ષુ, ૮૮૪ મૂક-બધીર, ૩,૦૦૧ મતદારો નાની-મોટી ખોડખાપણવાળા, ૧,૩૧૪ અલ્પદ્રષ્ટિ ધરાવતા તથા અન્ય નાની-મોટી શારીરિક ખામીઓવાળા ૧,૯૯૧ દિવ્યાંગ મતદાનો જિલ્લામાં છે.અા તમામ દિવ્યાંગ મતદારોને મતદાન કરવામાં કોઈ તકલીફ ન પડે તેની તકેદારી રાખવામાં અાવશે.
સાણંદ બેઠક પર સૌથી વધુ ૧,૧૧૧ દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે જ્યારે નિકોલ બેઠક પર સૌથી ઓછા ૧૨૨ દિવ્યાંગ મતદારો છે. દિવ્યાંગો સરળતાથી મતદાન કરી શકે તે માટે મતદાન મથક પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં તેઓ માટે વ્હીલચેર અને સહાયકોની વ્યવસ્થા કરાઇ છે.અાગામી ચૂંટણીમાં દિવ્યાંગ મતદારો માટે ખાસ વ્યવસ્થા કરવામાં અાવી છે.