જંગલ પાસેથી પસાર થનારા માર્ગ અત્યંત ખાસ હોય છે. કારણ કે ત્યાંના સુંદર દ્રશ્યો હૃદયને ઝણઝણાવી મૂકે છે. આવા રસ્તાઓ પર કાર ચલાવવાની એક અલગ જ મજા છે. દુનિયામાં એવા અઢળક માર્ગ છે જે ઘટાદાર વૃક્ષો પાસેથી પસાર થાય છે અને ટ્રાવેલર્સ એવી જગ્યાઓ પર કાર ચલાવીને ઉત્સાહ અનુભવે છે, પરંતુ અમેરિકામાં એક એવી જગ્યા પણ છે જ્યાંથી તમે પસાર થશો તો અમુક વૃક્ષો હસતા દેખાશે. એટલું જ નહીં, તેમનો વિશાળ ચહેરો પણ દેખાશે. જે જાેઈને દરેક વ્યક્તિ દંગ રહી જાય છે.

અમેરિકાના ઓરિગોનમાં અત્યારે એટલે કે ફોલ દરમિયાન જાે તમે ગ્રેન્ડ રોન્ડ અને વિલમિના શહેર વચ્ચે ડ્રાઇવ કરશો તો વચ્ચે એક ખાસ જગ્યા આવશે જ્યાં તમને વૃક્ષથી ભરેલા પહાડો ઉપર એક મોટો ચહેરો હસતો જાેવા મળશે. તેની બે આંખો હશે અને હસતું મોઢું હશે. જાે તમને આ નજારો જાેવા મળે તો ડરવાની કે હેરાન થવાની કોઈ જરૂર નથી. આ કોઈ ભૂત, પ્રેત કે જાદૂ નથી, આ વૃક્ષ છે અને તેને એ રીતે ઉગાડવામાં આવ્યા છે કે, તેની વચ્ચેની જગ્યા ચહેરાના આકારની બને છે. તમને કહી દઈએ કે આ વૃક્ષ હેમ્પટન લંબર કંપનીના ટિમ્બરલેન્ડ એટલે કે વૃક્ષ કાપનાવી જમીન ઉપર કંપની તરફથી લગાવવામાં આવ્યા હતા.
ઓરિગોન લાઈવ વેબસાઈટ અનુસાર કંપનીની પ્રવક્તા ક્રિસ્ટીનએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૧માં હેમ્પટન લંબરના કો-ઓનર ડેવિડ હેમ્પટન અને કંપનીના મેનેજર ડેનિસ ક્રીલએ આ જગ્યાએ વૃક્ષો ઉગાડયા હતા. ક્રિસ્ટીને જણાવ્યું કે વૃક્ષો કપાયા બાદ નવા વૃક્ષો લગાવવામાં આવે છે. ડગલસ ફર, વેસ્ટર્ન હેમલોક, નોબલ ફર અને વેસ્ટર્ન રેડ સેડાર નામના વૃક્ષો આ વિસ્તારમાં લગાવવામાં આવે છે. ચહેરાની આંખ અને મોં ડગલસ ફર વૃક્ષથી બનાવવામાં આવે છે અને ચહેરાનો પીળો ભાગ લાર્ચ ટ્રીઝથી બનાવવામાં આવે છે.
લાર્ચનું ઝાડ ઓક્ટોબર-નવેમ્બર સીઝનમાં પીળું બને છે અને તેના પાંદડા ખરે છે. આ કારણે વર્ષના આ સમયે તેનો ચહેરો સૌથી સ્પષ્ટ અને સુંદર દેખાય છે. જાણકારી મુજબ, ચહેરાનો વ્યાસ ૩૦૦ ફૂટ છે. પ્રવક્તાએ જણાવ્યું કે આવનારા ૩૦-૫૦ વર્ષો સુધી લોકોને આ હસતો ચહેરો જાેવા મળશે. ત્યારબાદ વૃક્ષોને કાપવાનો સમય થઈ જશે.