સિંધુ જળ સંધિ સસ્પેન્ડ થતાં પાકિસ્તાનમાં પાણીની ભારે અછત: “આપણા લોકો મરી જશે”, ભારત સામે પાકિસ્તાની મંત્રીએ કરી કરુણ અપીલ
પહેલગામમાં થયેલા નિર્મમ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે રાજદ્વારી અને વ્યૂહાત્મક સ્તરે કડક નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. જે અંતર્ગત ભારતે દાયકાઓ જૂની સિંધુ જળ સંધિ (Indus Waters Treaty) ને સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો. ભારત તરફથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે “લોહી અને પાણી એકસાથે વહી શકે નહીં.” આ કડક પગલાંના પરિણામે હવે પાકિસ્તાનમાં પાણીનું અભૂતપૂર્વ સંકટ ઊભું થયું છે. વિશ્વના વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો પરથી કોઈ પણ દેશનું સમર્થન મેળવવામાં નિષ્ફળ રહ્યા બાદ, હવે પાકિસ્તાન સરકાર ભારત સમક્ષ આજીજી કરવા મજબૂર બની છે.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અત્તાહુલ્લાહ તરારે બુધવાર, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ આંતરરાષ્ટ્રીય સમુદાયને સંબોધતા કહ્યું હતું કે ભારતના આ નિર્ણયથી પાકિસ્તાનની સામાન્ય જનતા પર માતબર અને ઘાતક અસર પડી રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આંતરરાષ્ટ્રીય સમુદાય આ મુદ્દા પર તાત્કાલિક ધ્યાન નહીં આપે તો પાકિસ્તાનની અંદર માનવ સર્જિત મોટી દુર્ઘટના સર્જાશે અને લોકો પાણી વગર મૃત્યુ પામશે.
૨૪ કરોડ લોકોના અધિકાર અને આંતરરાષ્ટ્રીય મંચોનો ઉલ્લેખ
પાકિસ્તાની અખબાર ‘ડોન’ ના અહેવાલ અનુસાર, મંત્રી અત્તાહુલ્લાહ તરારે જણાવ્યું હતું કે ભારત પાણીનો એક રાજકીય કે વ્યૂહાત્મક હથિયાર તરીકે ઉપયોગ કરી શકે નહીં. તેમણે દાવો કર્યો હતો કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનના ૨૪ કરોડ નાગરિકોનો મૂળભૂત અને કુદરતી અધિકાર છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જો કોઈ પણ દેશ આવી મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય જળ સંધિને એકપક્ષીય રીતે રદ કે સ્થગિત કરે છે, તો તેની સીધી અસર સામાન્ય જળમાર્ગો અને સરહદો શેર કરતા તમામ પ્રદેશો પર પડે છે.

તેમણે કહ્યું કે પાકિસ્તાન પોતાની આર્થિક અને સામાજિક સ્થિરતા જાળવી રાખવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાય અને સંયુક્ત રાષ્ટ્ર સાથે સતત સંપર્કમાં રહેશે અને પોતાના હિતોનું રક્ષણ કરવા માટે પ્રયત્નો ચાલુ રાખશે.
સંધિના નિયમો અને ઐતિહાસિક સંબંધોનો દાવો
પાકિસ્તાની મંત્રીએ પોતાના વક્તવ્યમાં ભૂતકાળના દસ્તાવેજોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, “અમે જ્યાં પણ જઈએ છીએ ત્યાં ગર્વથી કહીએ છીએ કે અમે સિંધુ ખીણની સભજતાના વારસદારો છીએ અને આપણું અસ્તિત્વ સિંધુ નદી સાથે જોડાયેલું છે.” તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જ્યારે ૧૯૬૦ના દાયકામાં આ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, ત્યારે ભવિષ્યમાં ભારત આવો આકરો નિર્ણય લેશે તેવી કલ્પના પણ કરવામાં આવી નહોતી.
તરારના મતે આ એક કાનૂની અને આંતરરાષ્ટ્રીય દસ્તાવેજ છે જેને કોઈ પણ એક પક્ષ પોતાની મરજીથી રદ કરી શકે નહીં. કોઈપણ સીમાવર્તી વિવાદ કે તણાવની સ્થિતિમાં પણ બંને દેશોએ સંધિના નિર્ધારિત નિયમો અને શરતોનું પાલન કરવું અનિવાર્ય છે.

યુએનજીએ અને આતંકવાદ પર પાકિસ્તાનનો બચાવ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ દ્વારા આપવામાં આવેલા ભાષણનો હવાલો આપતા મંત્રીએ કહ્યું કે, સિંધુ નદી અને તેનાથી જોડાયેલી જળપ્રણાલી પાકિસ્તાની નાગરિકો માટે જીવાદોરી સમાન છે. જો આ જીવાદોરી છીનવી લેવામાં આવશે તો પાકિસ્તાનના લાખો લોકો માટે અસ્તિત્વનો પ્રશ્ન ઊભો થશે અને એવી સ્થિતિને પાકિસ્તાન પર કરવામાં આવેલા ‘યુદ્ધના કૃત્ય’ (Act of War) તરીકે જોવામાં આવશે.
ભારતે સરહદ પારથી ચાલતા આતંકવાદ અને સુરક્ષાના કારણો આપીને સંધિ સસ્પેન્ડ કરવાના નિર્ણયને સંપૂર્ણપણે યોગ્ય ઠેરવ્યો છે. જોકે, પાકિસ્તાની મંત્રીએ પોતાની પરંપરાગત સફાઈ આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાન પોતે પણ આતંકવાદનો ભોગ બનેલું છે. આમ છતાં, ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે ભારતે આ નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ તેવી આજીજી પાકિસ્તાન દ્વારા સતત કરવામાં આવી રહી છે.
