દક્ષિણ ભારતમાં તમિલનાડુ અને કેરળમાં રોદ્ર સ્વરૂપ ધારણકરનાર સમુદ્રી વાવાઝોડુ ગુજરાત તરફ ફંટાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે ગુજરાતના સમુદ્ર કિનારાના વિસ્તરોમાં માછીમારોને આગામી ૪૮ કલાક સુધી દરિયામાં ન જવા માટેની સુચના આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ અત્યારે કેરળ પર સ્થિર થયેલ ઓખી વાવાઝોડાની અસર ૩ અને ૪ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં જોવા મળશે. જેમાં ય ખાસ કરીને દક્ષિણ ગુજરાત સહિતના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વાવાઝોડુ જ્યારે તમિલનાડુ પહોંચ્યુ ત્યારે ૯૦થી ૧૦૦ કીમીની ઝડપે પવન ફુંકાયો હતો. જે અત્યારે વધીને ૧૧૦ કીમી પ્રતિ કલાક થયો છે. ત્યારે વાવાઝોડુ ગુજરાત સુધી પહોંચે ત્યાં સુધીમાં પવનની ઝડપ વધીને ૧૩૦ કિમી પ્રતિ કલાક થવાની શક્યતા છે. જેની સાથે ભારે વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. તેમજ સિસ્ટમ નબળી પડે તો વાદળછાયુ વાતાવરણ રહેવાની અને છુટો છવાયો વરસાદ પડવાની શક્યતા રહેશે