દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદારનું અવસાન: જાણો તેમના જીવન અને કારકિર્દી વિશે
હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ કલાકાર અચ્યુત પોતદારનું ૯૧ વર્ષની વયે ૧૮ ઓગસ્ટે થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં નિધન થયું છે. લાંબા સમયથી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહેલા પોતદારને ઉંમર-સંબંધિત બીમારીઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના નિધનના સમાચારે સમગ્ર ફિલ્મ ઉદ્યોગ અને લાખો દર્શકોને ઊંડો આઘાત પહોંચાડ્યો છે.
અચ્યુત પોતદારની ફિલ્મી સફર ખૂબ જ પ્રેરણાદાયક રહી છે. ૪૪ વર્ષની ઉંમરે તેમણે અભિનયની દુનિયામાં પગ મૂક્યો અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી. પોતાના ચાર દાયકા લાંબા કરિયરમાં તેમણે ૧૨૫થી વધુ ફિલ્મો અને લગભગ ૧૦૦ ટીવી સિરિયલોમાં કામ કર્યું. તેમની સાદગી, સહજ અભિનય અને લાગણીઓને ઊંડાણપૂર્વક રજૂ કરવાની કળાએ તેમને દરેક વર્ગના દર્શકોના પ્રિય બનાવ્યા.
ફિલ્મ ‘૩ ઈડિયટ્સ’માં તેમનું નાનું પરંતુ યાદગાર પાત્ર આજે પણ લોકોના મનમાં તાજું છે. “કહેના ક્યા ચાહતે હો” વાળો તેમનો સંવાદ ફિલ્મ ઇતિહાસનો ભાગ બની ચૂક્યો છે. આ ઉપરાંત, ‘તેઝાબ’, ‘પરિંદા’, ‘રંગીલા’, ‘વાસ્તવ’, ‘રાજુ બન ગયા જેન્ટલમેન’, ‘પરિણીતા’, ‘લગે રહો મુન્ના ભાઈ’ અને ‘દબંગ ૨’ જેવી સુપરહિટ ફિલ્મોમાં તેમની ઉપસ્થિતિએ દરેક વખતે દર્શકોને પ્રભાવિત કર્યા.
સિનેમાની સાથે-સાથે તેમણે નાના પડદા પર પણ પોતાની કલાનો અમિટ છાપ છોડી છે. ‘વાગલે કી દુનિયા’, ‘માઝા હોશિલ ના’, ‘મિસિસ તેંદુલકર’ અને ‘ભારત કી ખોજ’ જેવાં ટીવી શોમાં તેમનો અભિનય આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે. તેમના સહજ સંવાદ અને હૃદયસ્પર્શી અભિનયે તેમને ઘરે-ઘરે ઓળખ અપાવી.
મનોરંજન જગતમાં આવતા પહેલા, અચ્યુત પોતદારે ભારતીય સેના અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં પણ સેવાઓ આપી હતી. પરંતુ અભિનય પ્રત્યેનો તેમનો જુસ્સો તેમને ફિલ્મી દુનિયામાં લઈ આવ્યો, જ્યાં તેમણે પોતાની મહેનત અને લગનથી એક ખાસ ઓળખ બનાવી.
View this post on Instagram
તેમના નિધન પર મરાઠી ચેનલ ‘સ્ટાર પ્રવાહ’એ શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે દરેક ભૂમિકામાં તેમનું સ્મિત, સાદગી અને ઇમાનદારી હંમેશા યાદ રહેશે. સોશિયલ મીડિયા પર પણ ચાહકો અને સહ-કલાકારો તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
અચ્યુત પોતદારનું યોગદાન હિન્દી અને મરાઠી સિનેમાની ધરોહર છે. તેમની કલા, સમર્પણ અને મહેનત આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત બની રહેશે. સિનેમા પ્રેમીઓના દિલમાં તેમની યાદો હંમેશા જીવંત રહેશે.
ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.