કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે પગાર વધારાનું ગણિત: જાણો લેવલ ૧ થી ૧૮ સુધી ફિટમેન્ટ ફેક્ટરમાં શું છે ફેરફારના સૂચનો
દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો લાંબા સમયથી ૮મા પગાર પંચ (8th Pay Commission) ની અમલવારી અને પગાર વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ખુશખબર સમાન સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને ભારતીય રેલવેના કર્મચારીઓ અને ટેકનિકલ સ્ટાફનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ‘ઇન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઇઝર એસોસિએશન’ (IRTSA) દ્વારા સરકાર સમક્ષ પગાર અને ભથ્થાંમાં મોટો વધારો કરવા માટે એક વ્યાપક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે.
આગામી ૨૨ ઓક્ટોબરે મુંબઈમાં યોજાનારી કર્મચારી સંગઠનોની ઉચ્ચ સ્તરીય બેઠક અગાઉ રજૂ કરાયેલા આ પ્રસ્તાવથી કેન્દ્રીય કર્મચારીઓના મનમાં પગારમાં મોટા ઉછાળાની આશા જાગી છે.

ફિટમેન્ટ ફેક્ટરમાં મોટા ફેરફાર અને ગ્રેડેડ ફોર્મ્યુલાની માંગ
IRTSA ની સૌથી પ્રમુખ અને મહત્વની માંગણી ફિટમેન્ટ ફેક્ટર (Fitment Factor) માં ફેરફાર કરવા અંગેની છે. અત્યાર સુધી તમામ વર્ગના કર્મચારીઓ માટે એક સમાન ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાનો નિયમ રહ્યો છે. પરંતુ એસોસિએશને આ વખતે દલીલ કરી છે કે દરેક પદ, પે લેવલ અને નોકરીમાં જવાબદારી તથા જોખમનું પ્રમાણ ભિન્ન હોય છે, તેથી તમામ માટે એક જ ફોર્મ્યુલા અન્યાયી છે.
તેમણે સરકારને કક્ષાવાર એટલે કે ગ્રેડેડ ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવા સૂચવ્યું છે. જેમાં લેવલ ૧ થી ૩ ના કર્મચારીઓ માટે ૨.૯૨, લેવલ ૪ થી ૮ માટે ૩.૫૦, લેવલ ૯ થી ૧૩ માટે ૩.૮૦, લેવલ ૧૪ થી ૧૬ માટે ૪.૦૯ અને લેવલ ૧૭ થી ૧૮ ના વરિષ્ઠ અધિકારીઓ માટે ૪.૩૮ સુધીનું ફિટમેન્ટ ફેક્ટર રાખવાની ભલામણ કરવામાં આવી છે.

વાર્ષિક ઇન્ક્રીમેન્ટ અને લઘુત્તમ વેતનની નવી વ્યાખ્યા
પગાર પંચ સમક્ષ મુકાયેલા પ્રસ્તાવમાં હાલમાં મળતા ૩ ટકાના વાર્ષિક ઇન્ક્રીમેન્ટ (Annual Increment) ને વધારીને ૫ ટકા કરવાની સ્પષ્ટ માંગ કરાઈ છે. આ ઉપરાંત જ્યારે પણ કોઈ કર્મચારીને પ્રમોશન મળે ત્યારે તેને બે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ જેટલો સીધો આર્થિક લાભ આપવાની ભલામણ કરાઈ છે, જેથી દર દસ વર્ષે વધતી મોંઘવારી સામે ખરીદશક્તિ જળવાઈ રહે.
બીજી તરફ, લઘુત્તમ વેતનની ગણતરી માટેના જૂના ધોરણો બદલવાની અપીલ કરવામાં આવી છે. વેતનની ગણતરી માટે અગાઉના ૩ વપરાશ એકમ (Consumption Unit) ને બદલે ૪.૬ એકમનો ઉપયોગ કરવાનું સૂચવવામાં આવ્યું છે. આજના આધુનિક જીવનને ધ્યાનમાં રાખીને પેકિંગનું પીવાનું પાણી, માસિક ઇન્ટરનેટનો ખર્ચ અને પરિવાર માટે હેલ્થ ઇન્સ્યોરન્સ જેવા પાયાના ખર્ચાઓને પણ લઘુત્તમ વેતનના દરમાં સામેલ કરવાનો આગ્રહ રખાયો છે.
કામના કલાકો, જોખમ અને નિર્ણયની સમયમર્યાદા
એસોસિએશને ખાસ કરીને ફિલ્ડમાં કામ કરતા ટેકનિકલ અને સુરક્ષા વિભાગના કર્મચારીઓની કપરી કામગીરી પર પ્રકાશ પાડ્યો છે. ફિલ્ડ સ્ટાફ અઠવાડિયામાં ૪૮ કલાક ડ્યુટી કરે છે જ્યારે ઓફિસ સપોર્ટ સ્ટાફ ૪૫ કલાક કામ કરે છે, જેથી વેતન નક્કી કરતી વખતે મુશ્કેલીઓ અને જોખમોને વિશેષ પ્રાધાન્ય આપવું જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે સરકારે ૩ નવેમ્બર ૨૦૨૫ ના રોજ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોના ૮મા પગાર પંચની રચના કરી હતી. પંચે પોતાની રચનાના ૧૮ મહિનાની અંદર સરકારને આખરી અહેવાલ સોંપવાનો રહે છે. હાલમાં જ ૮ ઓક્ટોબરે બેંગલુરુમાં અને હવે ૨૨ ઓક્ટોબરે મુંબઈમાં યોજાનારી બેઠકો બાદ મે-જૂન ૨૦૨૭ સુધીમાં આ નવું પગાર પંચ સત્તાવાર રીતે જાહેર થઈ અમલમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.
