વડોદરા તા.૦૯ ડિસેમ્બર, ૨૦૨૧ (ગુરુવાર) વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીએ શહેરના એક માર્ગ પર વાહન વ્યવહાર નિયમન માટે જાહેરનામુ બહાર પાડ્યુ છે. ગેંડા સર્કલથી મનિષા સર્કલ સુધી ઓવરબ્રીજની કામગીરી શરુ છે. આ કામગીરી શરુ હોય તબક્કાવાર ટ્રાફિક જંકશન બંધ-ચાલુ કરવામાં આવે છે.
ઓવરબ્રીજ કામગીરી દરમિયાન વીર સાવરકર સર્કલનો રસ્તો બંધ કરી વૈકલ્પિક રુપે વડીવાડી ફાયર સ્ટેશન સામે કટ ખોલવામાં આવ્યા છે. વડીવાડી ફાયર સ્ટેશનથી ઇલોરા પાર્ક તરફ જતા વાહનો તેમજ ઇલોરાપાર્કથી વડીવાડી ફાયર સ્ટેશન તરફ વાહનો અવરજવર કરે છે. ઇલોરા પાર્કથી વડીવાડી ફાયર સ્ટેશન જતાં સીએનજીના બે પેટ્રોલપંપ છે, તે બંને સીએનજીના પેટ્રોલપંપ પર આવતા-જતાં વાહનોના કારણે તે રોડ પર ટ્રાફિકનું ભારણ વધુ પ્રમાણમાં હોવાને કારણે ટ્રાફિક જામ અને નાના-મોટા અકસ્માત બને છે. તેવી સ્થિતિના નિવારણ અર્થે આ રોડને વન-વે કરવાની આવશ્યકતા છે.
વડીવાડી ફાયર સ્ટેશનથી ઇલોરા પાર્ક તરફ વડોદરા ગેસ લિ.ના ગેસ સ્ટેશનવાળા રોડને પ્રતિબંધિત રસ્તો જાહેર કરતા તે રસ્તા પરના વાહનોને વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વડીવાડી ફાયર સ્ટેશનથી જીઇબી રેસકોર્ષ સર્કલથી યુ ટર્ન લઇ પરત વીર સાવરકર સર્કલ થઇ ઇલોરા પાર્ક નિષ્ઠા હોસ્પિટલ ત્રણ રસ્તાથી જઇ શકાશે. સુભાષચંદ્ર બોઝ પ્રતિમાથી સીએનજી વડોદરા ગેસ લિ. પેટ્રોલપંપ થઇ ઇલોરાપાર્ક તરફ જઇ શકાશે નહિ, વીર સાવરકર સર્કલ થઇ ઇલોરાપાર્ક નિષ્ઠા હોસ્પિટલ ત્રણ રસ્તાથી જઇ શકાશે. આ જાહેરનામું તા.૨૦ જાન્યુઆરી-૨૦૨૨થી અમલી રહેશે. આ જાહેરનામા બાબતે કોઇપણ વ્યક્તિ તરફથી વાંધા-સૂચનો હોય તો આગામી ૩૦ દિવસમાં વડોદરા શહેર પોલીસ કમિશનર કચેરીને લેખિતમાં મોકલી આપવાનું રહેશે.