રાજ્યભરમાં રખડતા ઢોર નો ત્રાસ જોવા મળી રહ્યો છે જેમાં કેટલીક વખત મૂંગા પશુઓ પણ અકસ્માત નો ભોગ બની રહયા છે તો ક્યારેક માણસો પણ ઘાયલ થવાની ઘટનાઓ સામે આવી રહી છે આ બધા વચ્ચે ઉનાના પાલડી ગામે બેકાબુ બનેલા આખલા એ એક એક મહિલા ઉપર હુમલો કરી પેટમાં શિંગડા મારીને આંતરડા બહાર કાઢી મોતને ઘાટ ઉતારી દેતાં ભારે ચકચાર મચી ગઇ છે અને મહિલા ને મારી નાખ્યા બાદ આખલો ત્યાંથી નહિ હઠતા ટ્રેક્ટર મંગાવી આખલા સાથે ભટકાડી માંડ ત્યાંથી હઠાવી લાશ ને ત્યાંથી લેવી પડી હોવાનો ચોંકાવનારો બનાવ બન્યો છે. ઊનાના પાલડી ગામે વાસ વિસ્તારમાં રહેતા 65 વર્ષીય કરમણબેન વિરજીભાઇ બાબરીયા નામની મહિલા પોતાના ઘરની બાજુમાંજ ઘરકામ કરી રહી હતી. ત્યારે ત્યાં અચાનક જ આખલો આવી ચઢ્યો હતો.
અને કરમણબેન કઈ સમજે તે પહેલા જ હુમલો કરી દઈ શિંગડા થી ઢીંક મારવા લાગ્યો હતો અને વારંવાર શીંગડા મારી તેણે પેટના આંતરડા કાઢી નાખ્યા હતા. આથી કરમણબેન નું ઘટનાસ્થળેજ તરફડિયાં મારી દર્દનાક કરૂણ મોત થઈ ગયું હતું. આ સમયે ગામના સરપંચ અને અન્ય લોકો દોડી આાવ્યા હતા. અને કરમણબેનને આખલા ના સકંજામાંથી છોડાવવા સતત પ્રયત્ન કર્યો હતો પણ બેકાબુ બનેલા આખલા એ લોકોના ટોળા તરફ ભાગતા લોકો ગભરાઈ ગયા હતા અને દૂર થઈ ગયા હતા.
આ ઘટના બની એ વખતે ગામની પ્રાથમિક શાળામાં બાળકોને છૂટવાનો સમય થઇ ગયો હતો. આથી આતંક મચાવતો ખૂંટિયા બાળકોને હડફેટમાં ન લે એ માટે બાળકોને શાળામાંજ બેસાડી રાખી તેનો દરવાજો બંધ કરી દેવાયો હતો. આ તરફ વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પણ ખૂંટિયો ત્યાંથી હટતો નહોતો. આખરે એક ટ્રેક્ટર લાવી તેનાથી ઠોકર મારીને કાબુમાં લેવાયો હતો અને ત્યારબાદ મૃતક મહિલા ના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ જઇ શકાયો હતો.
આ ઘટના ને પગલે સ્થાનીક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.