મુંબઈ: ક્રૂઝ ડ્રગ કેસમાં NCP નેતા નવાબ મલિક દ્વારા કરવામાં આવેલા આરોપો સમાચારોમાં ચમક્તા રહ્યાં છે. આ પછી તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કેટલીક કેન્દ્રીય એજન્સીઓ તેને ખોટા કેસમાં ફસાવવાનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન તેમણે શુક્રવારે રાત્રે એક ટ્વીટ કર્યુ, ‘મિત્રો, સાંભળ્યું છે, આજ-કાલ મારા ઘરે સરકારી મહેમાનો આવવાના છે, અમે તેમનું સ્વાગત કરીએ છીએ. ડરવું એટલે રોજ મરવું, આપણે ડરવાની જરૂર નથી, લડવાનું છે. ગાંધીજી ગોરાઓ સાથે લડ્યા હતા, અમે ચોરો સાથે લડીશું.
મહારાષ્ટ્રના મંત્રીએ ગયા મહિને દાવો કર્યો હતો કે કેટલાક અજાણ્યા લોકોએ તેમના નિવાસસ્થાનની રેકીની કોશિશ કરી અને પરિવારના સભ્યો વિશે માહિતી એકઠી કરવાનો પ્રયાસ કર્યો હતો. એવો પણ આરોપ છે કે કેટલીક કેન્દ્રીય એજન્સીઓ તેમને ખોટા કેસમાં ફસાવવા માંગે છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને તેના મુંબઈ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ ઓક્ટોબરમાં ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા હતા અને બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન અને અન્ય કેટલાક લોકોની ધરપકડ કરી હતી. બાદમાં તેને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા. તે દરમિયાન મંત્રી નવાબ મલિકે આ કાર્યવાહીને લઈને સમીર વાનખેડે પર સતત આરોપો લગાવ્યા હતા.