રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગી રહયા છે, ત્યારે સરકાર પાટીદાર આંદોલનમાં જોડાયેલા યુવાનો પર થયેલા પોલીસ કેસ પરત ખેંચવા માટે સરકાર ની હિલચાલ સામે રાજકારણ ગરમાયુ છે. ભાજપના પાંચ પાટીદાર સાંસદોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લઇને પાટીદારો પરના કેસો પરત ખેંચવાની ભલામણ કર્યા બાદ હવે પાટણના ભાજપના જ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પણ મુખ્યમંત્રીને પત્ર લખીને માત્ર પાટીદાર સમાજ જ નહીં પણ અન્ય સમાજોએ પણ પોતાની માંગણીને લઇને આંદોલન કર્યું હતું અને તેમના ઉપર પણ પોલીસ કેસ કર્યા હોય તેવા રાજકીય આંદોલનકારીઓ જેમ કે કરણી સેનાના રાજ શેખાવત, ઠાકોર સમાજના નવઘણજી ઠાકોર સહિત અગ્રણીઓ ઉપર થયેલા કેસો પરત ખેંચવા જોઇએ. ગંભીર ગુનાના કિસ્સામાં ફાસ્ટટ્રેક કોર્ટોમાં કેસ તબદીલ કરીને ઝડપથી કેસનો નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અન્ય સમાજની પણ લાગણી છે.
બીજીતરફ કોંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પણ આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે પાટીદાર આંદોલનકારીઓ સામેના કેસ સરકાર પાછા ખેંચી રહી છે તેમાં સમર્થન છે પણ સાથેસાથે ગુજરાતમાં એલઆરડીની ઓબીસી મહિલા ઉમેદવારો, ખેડૂતો, આંગણવાડીની મહિલા કાર્યકરો, બેરોજગાર યુવાનો સહિતના અનેક આંદોલન રાજ્યમાં થયા છે. છેલ્લા 20 વર્ષમાં થયેલા તમામ આંદોલનમાં કેટલા કેસ કરાયા તેનો અભ્યાસ કરવામાં આવે અને આ તમામ આંદોલનકારીઓ સામેના કેસ પાછા ખેંચવામાં આવે તેવી માંગ કરતા હવે અન્ય સમાજ ના આગેવાન નેતાઓ પણ પોતાના સમાજ ના લોકો ઉપર થયેલા કેસ પાછા ખેંચવા માંગ ઉઠવા પામી છે.