રાજ્યમાં કોરોના કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે કહ્યું હતું કે હાલમાં લગ્નની સિઝન હોવાથી લોકોની લગ્ન પ્રસંગોમાં અવરજવરને કારણે કોરોના કેસોની સંખ્યા વધી છે. ઓમિક્રોનને લઇને તમામ પ્રકારની સાવચેતી રખાઈ રહી છે. જામનગરમાં નોંધાયેલા ઓમિક્રોનના ત્રણેય દર્દીનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. રાજ્યમાં કોરોનાના નવા કેસો નોંધાઈ રહયા છે અને ગતરોજ 63 પોઝીટીવ કેસ નોંધાવા સાથે 3 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. 160 દિવસ બાદ 3 લોકોના કોરોનાથી મૃત્યુ થયા હતા. રાજકોટ, ભાવનગર અને વલસાડમાં 1-1 દર્દીઓનું મોત થયું છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 480 પર પહોંચી જતા ટેંશન જોવા મળી રહ્યું છે.
અગ્રવાલે કહ્યું કે જ્યાં કેસો નોંધાય છે તે જિલ્લા કે શહેરના આરોગ્ય અધિકારીઓ પાસેથી કેસ ડિટેલ મંગાવીને અભ્યાસ કરાતા મોટાભાગના દર્દીઓની હિસ્ટ્રી લગ્નમાંથી આવ્યા બાદ પોઝિટિવ આવ્યા હોય તેવી જણાઇ છે. લગ્ન પ્રસંગોમાં ભોજન સમારોહ હોવાથી સંક્રમણ વધુ ફેલાય છે. કેસો વધતાં દૈનિક ટેસ્ટિંગ પણ 50 હજારથી વધારીને 70 હજાર કરાયું છે. કોરોનાની ત્રીજી લહેરની સંભવિત તમામ તૈયારી પણ કરી લીધી છે. આ તમામ હોસ્પિટલોમાં ઓક્સિજન, બેડ, દવાઓ અને હ્યુમન રિસોર્સીસ તૈયાર છે. આરોગ્ય તંત્ર પણ સજ્જ છે. તમામ હોસ્પિટલોને ઓક્સિજન પ્લાન્ટ અને અન્ય સાધનોનું ચેકિંગ-મેઈન્ટેનન્સ કરાવી લેવા જણાવી દેવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ નવી ચેતવણી જારી કરી છે. WHOએ કહ્યું હતું કે જો આ વેરિયન્ટ વિરુદ્ધ બેદરકારી દાખવવામાં આવી તો એ જીવલેણ સાબિત થઈ શકે છે. સાઉથ આફ્રિકામાં 24 નવેમ્બરે પ્રથમ કેસ મળ્યા પછી આ વેરિયન્ટ ભારત સહિત દુનિયાના 59 દેશમાં ફેલાઈ ચૂક્યો છે. 24 નવેમ્બરે સાઉથ આફ્રિકામાં સામે આવ્યા પછી WHOએ ઓમિક્રોનને 26 નવેમ્બરે વેરિયન્ટ ઓફ કન્સર્ન ઘોષિત કરીને સમગ્ર દુનિયાને આ નવા વેરિયન્ટથી અલર્ટ રહેવા જણાવી દેવામાં આવ્યું છે.