સાયબર ફ્રોડ એલર્ટ: ઓનલાઈન ટાસ્ક અને ગૂગલ રિવ્યૂના નામે થઈ રહી છે કરોડોની ઠગાઈ, આ રીતે બચો
આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન કમાણી કરવાનો ક્રેઝ ખૂબ વધી ગયો છે, પણ આ લાલચ જ ઘણીવાર મોટું આર્થિક નુકસાન પહોંચાડે છે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માત્ર એક જ મહિનામાં ૨૦ થી વધુ લોકોએ ‘ગૂગલ રિવ્યૂ સ્કેમ’ (Google Review Scam) નો શિકાર બનીને પોતાની મહેનતના ૧ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. સાયબર ઠગોએ શરૂઆતમાં લોકોને ગૂગલ પર માત્ર રિવ્યૂ કે રેટિંગ આપવાના બદલે નાની-નાની રકમો ચૂકવીને તેમનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્કેમમાં ભોગ બનનાર વ્યક્તિઓએ ૨ લાખ રૂપિયાથી લઈને ૯ લાખ રૂપિયા સુધીની રકમ ગુમાવી છે. એક કિસ્સામાં તો ૩૮ વર્ષના એક વ્યક્તિને ટેલિગ્રામ (Telegram) પર મેસેજ કરીને સાયબર ઠગોએ સંપર્ક કર્યો હતો. તેને ઓનલાઈન નાના-નાના ટાસ્ક (Task) પૂરા કરીને દરરોજ હજારો રૂપિયા કમાવાની લાલચ આપવામાં આવી હતી અને જોતજોતામાં તેની પાસેથી ૧૦ લાખ રૂપિયાથી પણ વધુ રકમ પડાવી લેવામાં આવી હતી.
ગૂગલ રિવ્યૂ સાયબર ફ્રોડ કેવી રીતે કામ કરે છે?
આ છેતરપિંડીની શરૂઆત ખૂબ જ સાધારણ રીતે થાય છે. પીડિત વ્યક્તિને ટેલિગ્રામ કે વોટ્સએપ પર એક મેસેજ મળે છે, જેમાં કહેવામાં આવે છે કે તમારે ગૂગલ મેપ્સ પર કેટલીક હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ કે બિઝનેસને ૫-સ્ટાર રેટિંગ અને રિવ્યૂ આપવાના રહેશે. દરેક રિવ્યૂ બદલ રૂ. ૧૦૦ થી ૨૦૦ રૂપિયા આપવાની લાલચ આપવામાં આવે છે.
૧. શરૂઆતી નાની કમાણી અને વિશ્વાસ: શરૂઆતમાં ફ્રોડ કરનારાઓ ગ્રાહક મેનેજર બનીને વાત કરે છે અને ૨-૩ રિવ્યૂ પોસ્ટ કર્યા પછી ખરેખર પીડિતના એકાઉન્ટમાં ૧૨૦ થી ૫૦૦ રૂપિયા જમા કરી દે છે. આનાથી લોકોને વિશ્વાસ બેસી જાય છે કે આ કામ સંપૂર્ણપણે અસલી છે.
૨. વધુ કમાણી માટે રોકાણની લાલચ: ત્યારબાદ તેમને એક ખાસ ગ્રુપમાં જોડવામાં આવે છે અને કહેવામાં આવે છે કે જો તમે વધુ કમાણી કરવા માંગો છો, તો તમારે થોડા રૂપિયા ડિપોઝિટ (રોકાણ) કરવા પડશે. ઉદાહરણ તરીકે, રૂ. ૫૦૦ જમા કરાવવા પર રૂ. ૬૩૦ અને રૂ. ૩,૦૦૦ જમા કરાવવા પર રૂ. ૪,૩૦૦ નું વળતર (Return) તરત જ આપવામાં આવે છે.
૩. ફેક ટ્રેડિંગ પ્લેટફોર્મ અને જાળ: નાની રકમનું વળતર મળતા જ પીડિતનો વિશ્વાસ મજબૂત થાય છે. આ પછી સાયબર ઠગો તેમને ‘ઓપરેશન્સ મેનેજર’ નામના બીજા વ્યક્તિ સાથે વાત કરાવે છે, જે તેમને એક નકલી ઓનલાઈન ટ્રેડિંગ પ્લેટફોર્મ પર લઈ જાય છે. ત્યાં મોટા પ્રોફિટની લાલચ આપીને લાખો રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવે છે.
૪. પૈસા ઉપાડવા પર રોક અને નવી માંગણીઓ: જ્યારે પીડિત વ્યક્તિ પોતાની કમાણી અને રોકેલા પૈસા પાછા ઉપાડવા (Withdraw) નો પ્રયાસ કરે છે, ત્યારે તેમને કહેવામાં આવે છે કે તમારાથી ટ્રેડિંગમાં ભૂલ થઈ છે અને તમારું એકાઉન્ટ ફ્રીઝ (Freeze) થઈ ગયું છે. એકાઉન્ટ અનબ્લોક કરવા, ક્રેડિટ સ્કોર સુધારવા કે વિથડ્રોઅલ ચાર્જ તરીકે તેમની પાસે વધુ પૈસા માંગવામાં આવે છે. આમ, પૈસા પાછા મેળવવાની ઘેલછામાં પીડિત વ્યક્તિ લાખો રૂપિયા ગુમાવી બેસે છે.

નાની ચૂકવણી કેવી રીતે મોટા નુકસાન તરફ દોરી જાય છે?
ટાસ્ક-બેઝ્ડ ઓનલાઈન ફ્રોડમાં આ એક બહુ જ સામાન્ય પેટર્ન છે. ફ્રોડ કરનારાઓ જાણીજોઈને શરૂઆતમાં રૂ. ૨૦૦ કે રૂ. ૫૦૦ ની નાની ચુકવણી કરે છે, જેથી સામેવાળી વ્યક્તિના મનમાંથી ડર નીકળી જાય. માનસિક રીતે જ્યારે આપણને એકવાર પૈસા મળી જાય છે, ત્યારે આપણે તે સિસ્ટમ પર ભરોસો કરવા લાગીએ છીએ.
એકવાર તમે મોટી રકમ જમા કરાવો એટલે ઠગ ટોળકી નવી નવી શરતો મૂકવાનું શરૂ કરે છે. તેઓ એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે તમને લાગે છે જો હું વધુ રૂ. ૫૦,૦૦૦ નહીં આપું તો મારી પહેલાંની રોકેલી ૨ લાખની રકમ પણ ડૂબી જશે. આ ડરના કારણે લોકો વારંવાર પૈસા આપતા રહે છે.
સાયબર ફ્રોડના ૫ ચેતવણીરૂપ સંકેતો (Warning Signs)
૧. કામ શરૂ કરવા કે પૈસા કમાવા માટે પહેલાં ચૂકવણી કરવી: કોઈપણ અસલી કંપની તમને કામ આપવા માટે કે તમારું કમિશન રિલીઝ કરવા માટે સામ સામેથી પૈસા રોકાણ કરવાનું કહેતી નથી.
૨. શરૂઆતના નાના પેઆઉટ પર આંધળો વિશ્વાસ: જો તમને રૂ. ૨૦૦-૫૦૦ મળી પણ જાય, તો તેનો અર્થ એ નથી કે તે કંપની કે પ્લેટફોર્મ કાયદેસર અને અસલી છે.
૩. વિથડ્રોઅલ અટકાવવું: જો તમારી કમાણી કે રોકેલી રકમ ઉપાડતી વખતે કંપની તમારી પાસે વધારાના ટેક્સ કે અનબ્લોકિંગ ચાર્જ માંગે, તો સમજી જવું કે આ ૧૦૦% ફ્રોડ છે.
૪. અજાણ્યા મેસેજિંગ એપ્સ દ્વારા સંપર્ક: વોટ્સએપ કે ટેલિગ્રામ પર પાર્ટ-ટાઈમ જોબ કે રિવ્યૂ આપીને ઘરબેઠા હજારો રૂપિયા કમાવાની ઓફર આપતા મેસેજ હંમેશા શંકાસ્પદ હોય છે.
૫. ક્રેડિટ સ્કોર કે ટ્રેડિંગ એરરના નામે પૈસા માંગવા: એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે અને સ્કોર સુધારવા પૈસા આપો તેવી વાતો માત્ર પૈસા પડાવવાનો બહાનો હોય છે.
જો તમે આવી જાળમાં ફસાઈ જાઓ તો શું કરવું?
ઈન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C) અને નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલે આવા ફેક ટાસ્ક-બેઝ્ડ જોબ્સથી સાવધ રહોની સલાહ આપી છે. જો તમારી સાથે આવો કોઈ બનાવ બને તો આ પગલાં ભરો:
વધુ પૈસા આપવાનું તરત બંધ કરો: ખાતામાં દેખાતા પૈસા કે નફો પાછો મેળવવા માટે ભૂલથી પણ વધુ રકમ ટ્રાન્સફર ન કરો.
તમામ પુરાવા સાચવી રાખો: સાયબર ઠગ સાથે થયેલી તમામ ચેટિંગ (Telegram/WhatsApp), તેમના ફોન નંબર, વેબસાઈટ લિંક્સ, બેંક ટ્રાન્ઝેક્શન અને પેમેન્ટ સ્લિપના સ્ક્રીનશોટ સુરક્ષિત રાખો.
બેંકને જાણ કરો: જો તમે પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય, તો તરત જ તમારી બેંકનો સંપર્ક કરી એકાઉન્ટ ફ્રીઝ કરવા કે ટ્રાન્ઝેક્શન હોલ્ડ કરવા વિનંતી કરો.
૧૯૩૦ પર ફરિયાદ નોંધાવો: વિલંબ કર્યા વગર નેશનલ સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ પર કૉલ કરો અથવા
cybercrime.gov.inપોર્ટલ પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવો.
યાદ રાખો, ઓનલાઈન દુનિયામાં કોઈ પણ મહેનત વગર કે માત્ર એક ક્લિક પર સરળતાથી પૈસા આપતું નથી. થોડીક સાવધાની તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે.
