ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીનો વીડિયો ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ યુપી પોલીસને ધમકી આપી રહ્યા છે કે મોદી અને યોગીના ગયા પછી તમને બચાવવા કોણ આવશે. આ વીડિયો અસદુદ્દીન ઓવૈસીની 12 ડિસેમ્બરે કાનપુર મુલાકાતનો જણાવવામાં આવી રહ્યો છે. ઓવૈસીની આ ટિપ્પણી પર હવે વિવાદ શરૂ થયો છે. બીજી તરફ ઓવૈસીએ કહ્યું છે કે તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું છે.
ઓવૈસીની સ્પીચથી ભાજપને ફાયદો થાય છે એવું માનનારા મુસ્લિમોનો વર્ગ મોટો છે. કારણ કે ઓવૈસી આવા પ્રકારની સ્પીચ આપશે તો ભાજપની હિન્દુ વોટબેંક સીધી રીતે એમ જ માનશે કે ભાજપ સિવાયના પક્ષને વોટ આપીશું તો ઓવૈસી કહે છે તે પ્રમાણે થશે. એટલે કે ભાજપ સત્તામાં નહીં હોય અને અને અન્ય કોઈ પાર્ટી સત્તામાં આવશે તો હિન્દુઓને ખતરો છે. ઓવૈસીની સ્પીચ હિન્દુ વોટબેંકને વધુને વધુ ભાજપ તરફી કરવામાં મોટો સિંંહફાળો આપી રહી છે.
આમ જોવા જઈએ તો અન્ય કોઈ નેતા કે સામાજિક કાર્યકરો દ્વારા આવા પ્રકારની સ્પીચ આપવામાં આવી હોય તો તેના ઉપર એફઆઈઆર નોંધાઈ ગઈ હોત અને રાજદ્રોહનો ખટલો પણ મંડાયો હોત. પરંતુ ઓવૈસીની સામે કોઈ કાર્યવાહી થતી નથી. જેને ભાજપ સરકારની રાજકીય રમત તરીકે જોવામાં આવી રહ્યું છે. ઓવૈસી ભલે ગમે તેટલા ખુલાસા કરે પણ તેમની વાતો હિન્દુ વોટર્સ માટે આશંકિત કરી જાય છે અને હિન્દુ વોટર્સ માટે ઓવૈસીની આવી નિવેદનબાજી હિન્દુ વોટર્સ માટે ધ્રાસ્કા સમાન બની રહેનારી પુરવાર થયા વિના રહેવાની નથી.
મુદ્દાની વાત એ છે કે આવી સ્પીચથી ચોક્કસપણે સામાન્ય હિન્દુ વોટર્સ ભયભીત થઈ જશે અને એવું માનતો થઈ જશે કે રખે ને ભાજપ સિવાયની કોઈ સરકાર આવશે તો હિન્દુઓની સલામતીની કોઈ ગેરંટી નથી. ઓવૈસીએ ભાષણબાજી કરવામાં થાપ ખાધી છે એ પાક્કું છે. સામાન્ય હિન્દુને વિશ્વાસમાં રાખવાની વાત કરતા નથી. મુસ્લિમો પર અત્યાચાર કરનાર પોલીસને વોર્નિંગ આપી છે તો પણ તેમની આ વાત કાયદાની પરિધિમાં કેટલા અંશે યોગ્ય છે એ જરુરથી સમજવું પડે એમ છે.
ભલે ઓવૈસીએ 2 મિનિટ 15 સેકન્ડનો વીડિયો શેર કર્યો અને લખ્યું કે ‘મેં મારા ભાષણ દરમિયાન ન તો હિંસા ભડકાવી કે ન તો ધમકી આપી. મેં મારા ભાષણમાં પોલીસ અત્યાચારની વાત કરી છે. મારો વિડિયો કાપવામાં આવ્યો છે. ઓવૈસીએ વધુમાં કહ્યું કે ‘હું જે કહું છું તેનો સંદર્ભ ખૂબ જ સ્પષ્ટ છે. હું એ પોલીસકર્મીઓની વાત કરી રહ્યો હતો જેઓ 80 વર્ષના વૃદ્ધોને ટોર્ચર કરે છે. જેઓ ચૂપચાપ તમાશો જોયા કરે છે કારણ કે ટોળાએ રિક્ષાચાલકને તેની પુત્રીની સામે માર માર્યો હતો. હું પોલીસકર્મીઓનો ઉલ્લેખ કરી રહ્યો હતો જેમણે એક બાળકને હાથમાં પકડેલા માણસ પર માર માર્યો હતો. ઓવૈસીનો ખુલાસો માની પણ લઈએ તોય એક વાત પાક્કી છે કે જો બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી.
ઓવૈસી મુસ્લિમ મસીહા બનવા માંગી રહ્યા છે. તેમના સિવાય મુસ્લિમોની વાત કોઈ કરતું નથી તેવું તેઓ પુરવાર કરવા માંગતા હોય તો એ અંગે જરાય ના નથી. પણ આની સાઈડ ઈફેક્ટ એ થઈ રહી છે કે સામાન્ય હિન્દુના મગજમાં ભાજપ જ ઘૂમરાતો રહે તેની ક્રોનોલોજી ઉભી થઈ રહી છે અને આ વાતો ભાજપને જ મજબૂત કરતી જાય છે અને મુસ્લિમ મતોમાં વિભાજન કરશે એ પણ એટલું નક્કી છે.