AAP યુવા પાંખના ઉપપ્રમુખ યુવરાજસિંહે આજે સાંજે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું, યુવરાજસિંહે જણાવ્યું કે અમે મહેશ સવાણીને અનશન છોડવા માટે અપીલ કરી છે. મહેશભાઈની તબિયત ગંભીર છે. તેઓ ડાયાબિટીક પેશન્ટ છે. ડોક્ટરોની સલાહ પણ છે કે તેઓ લાંબા સમય સુધી ઉપવાસ કરી શકવાની સ્થિતિમાં નથી.
તેમણે જણાવ્યું કે ગુજરાતના વિદ્યાર્થીઓને ન્યાય આપવાની લડત ચાલુ રહેશે. હવે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓ ન્યાયની લડત ચાલુ રાખશે. અમે મહેશભાઈ અને ગુલાબસિંહને વિનંતી કરીએ છીએ તેઓ ઉપવાસ છોડે.
વધુમાં તેમણે સરકારને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. બે દિવસમાં સરકાર અસિત વોરાનું રાજીનામું નહીં લે તો આંદોલન હવે યુવાઓના હાથમાં આવશે. આજદિન સુધી વડીલો આંદોલન કરી રહ્યા હતા હવે યુવાનો આંદોલન કરીને લડત ચલાવશે. અમારું આંદોલન દરેક મોરચે લડાશે.
વધુમાં આવતીકાલ નરોત્તમ સ્વામીના હસ્તે મહેશ સવાણી અને ગુલાબસિંહ પારણા કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.