મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે. ત્યારે મુખ્યમંત્રીનું ભવ્ય અભિવાદન કરવામાં આવનાર છે. સીએમ પટેલને આવકારવા માટે એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના 3 રાજમાર્ગ પર બેનર-કટઆઉટ મુકી સુશોભન કરવામાં આવી રહ્યા છે. તો ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં સીએમની ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહનો પુર્ણાહુતિ સમારોહ યોજાનાર હોય વહીવટી તંત્ર દ્વારા કોલેજનાં ગ્રાઉન્ડમાં વિશાળ સમીયાણો પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે. અને રાજકોટ દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે. કોલેજીયન છાત્રો દ્વારા આ તકે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવનાર છે. સમગ્ર કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનો દાવો વહીવટી તંત્ર દ્વારા કરાયો છે.
જાણો સીએમ ભુપેન્દ્ર પટેલનો સંપૂર્ણ કાર્યક્રમ
મુખ્યમંંત્રી ભૂપેન્દ્ર પટેલ તારીખ 31ને શુક્રવારે સવારે 10-30 કલાકે ગાંધીનગરથી હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યારબાદ એરપોર્ટથી જિલ્લા પંચાયત થઇ ધર્મેન્દ્રસિંહજી કોલેજ સુધી મુખ્યમંત્રી પટેલનો રોડ-શો યોજાશે. આ રોડ શોમાં સીએમ નગરજનોનું અભિવાદન ઝીલશે. ત્યારબાદ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં સુશાસન સપ્તાહના આયોજીત કાર્યક્રમમાં સમરસ પંચાયતોને ચેક વિતરણ, સરપંચોનું સન્માન અને ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં નિર્માણ કરાયેલ બલુન હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
સુશાસન સપ્તાહની પુર્ણાહુતિ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મંત્રી અરવિંદ રૈયાણી, પંચાયત મંત્રી અર્જુનસિંહ ચૌહાણ તેમજ બ્રિજેશ મેરજા પણ ઉપસ્થિત રહેનાર છે. ત્યારે મુખ્યમંત્રીનો કાર્યક્રમ ભવ્ય બની રહે તેમજ આયોજનમાં કોઇપણ કચાશ ન રહે તે માટે ચોકસાઈ પૂર્વક વ્યવસ્થા કરાઈ છે. કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહે તે માટે વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન તનતોડ પ્રયાસો કરી રહ્યા છે. તેમજ આ કાર્યક્રમમાં સોશિયલ ડીસ્ટન્સ જળવાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જરુરી પગલા લેવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રીના આ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવનાર છે. ત્યારે સુશાસન સપ્તાહની પુર્ણાહુતિનો આ સમારોહને ભવ્ય બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર કોઇ કસર છોડવા માંગતુ ન હોય તેમ સતત તૈયારીઓમાં વ્યસ્ત છે. આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની એકત્રિત કરવા વહીવટી તંત્ર દ્વારા શહેરનાં વિવિધ ઔદ્યોગિક એસોસિએશન તેમજ સંસ્થાઓને ટાર્ગેટ આપી દેવામાં આવ્યા હોવાનું અને ટાર્ગેટ મુજબ જ જનમેદની આ કાર્યક્રમમાં ઉમટી પડે તે રીતનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો વિશાળ રોડ-શો પણ યોજાનાર હોય આ રુટ પર ઠેર ઠેર કટઆઉટ્સ તેમજ હોર્ડિંગ્સથી સુશોભન કરવાની જવાબદારી ઔદ્યોગિક એસોસિએશનોને સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.