ગુજરાતના નાણામંત્રી અને સુરત જિલ્લા પ્રભારીમંત્રી કનુભાઈ દેસાઈએ સુરત શહેર-જિલ્લામાં કોરોનો સામેની પૂર્વ તૈયારીની પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે મળેલી બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, ત્રીજા વેવને અનુલક્ષીને દર્દીઓ માટે બેડ, ઓકિસજન બેડ, ઓકિસજન પુરવઠો, દવાઓના જથ્થા સહિતની તમામ બાબતોની ઉપલબ્ધતા અંગેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી વેવનો સામનો કરવા રાજય સરકારે તમામ પ્રકારની તૈયારીઓ આદરી દીધી છે અને સરકાર સંપૂર્ણપણે સુજ્જ છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જે નાગરિકોએ કોરોનાના બંને ડોઝ લીધા હોય તેઓ જ જાહેર સ્થળોએ પ્રવેશ મેળવે તે હિતાવહ છે અને જેમણે વેકસીનનો બીજો ડોઝ લેવાનો બાકી હોય તેવો સત્વરે મેળવી લે તેવો અનુરોધ પણ કર્યો હતો.
પ્રભારીમંત્રીએ જિલ્લાના અધિકારી અને આરોગ્ય અધિકારીઓને ઓકિસજન પ્લાન્ટોનું ટેસ્ટીંગ, વેન્ટીલેટર સર્વિસીંગ, ફાયરસેફટી તેમજ આનુષાંગિક જરૂરી તમામ તૈયારીઓ પુરી કરી લેવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, અગાઉના કોરોનાની બે વેવમાં સ્થાનિક સેવાભાવી સંસ્થાઓએ પ્રશંસનીય રીતે વહીવટીતંત્ર સાથે મળી સેવા બજાવી હતી. તેમજ ત્રીજા વેવની પરિસ્થિતિમાં પણ તેમનો સહકાર અગ્રતાક્રમે મળી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં મ્યુ.કમિશનર બંછાનિધિપાનીએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિગતો આપતા જણાવ્યું કે, શહેરમાં આગામી સમયમાં જરૂરીયાત અનુસાર ૧૫ હજારથી વધુ કોરોના ટેસ્ટીંગ કરવામાં આવશે. ધન્વંતરી રથોની સંખ્યા ૧૪૨ થી વધારીને ૨૬૦ તેમજ સંજીવની રથોની સંખ્યા ૩૬ થી વધારીને ૧૦૫ સુધી લઈ જવામાં આવશે. મહાનગરપાલિકા વિસ્તારના બાગ બગીચા કે સ્વીમિંગ પુલો, સીટીબસોમાં બંને ડોઝ લીધા હોય તેવા નાગરિકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. શહેરમાં ૧૧૭ ટકા લોકોને પ્રથમ ડોઝ તથા ૯૦ ટકા નાગરિકોને બીજો ડોઝ તેમજ ૧૫ થી ૧૮ વયના ૪૮ ટકા તરૂણોને વેકસીનેશનથી આવરી લેવામાં આવ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, કોરોનાની તકેદારીના ભાગરૂપે આગામી ૩૦ દિવસ સુધી ૬૦ વર્ષથી વધુ વયના કો-મોર્બિડ લોકો બિનજરૂરી ઘરની બહાર ન નીકળે તે જરૂરી છે.
પાલિકા કમિશનરે પાલિકા વિસ્તારમાં બેડની સંખ્યા, ઓકિસજન બેડ, દવાનો પુરવઠો તથા કોરોના સંક્રમણને અટકાવવા માટે કન્ટેન્ટમેન્ટ વિસ્તાર સહિતની આરોગ્ય સુવિધાઓની વિગતો આપી હતી.
જિલ્લા કલેકટર આયુષ ઓકે જિલ્લાની રૂપરેખા આપતા જણાવ્યું કે, જિલ્લામાં તમામ ઓકિસજન પ્લાન્ટોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. ૯૬ ટકા નાગરિકોએ પ્રથમ ડોઝ અને ૮૬ ટકા બીજો ડોઝ તથા ૧૫ થી ૧૮ વયના ૮૬ ટકા તરૂણોને વેકસીનેશનથી આવરી લેવામાં આવ્યા છે. આગામી સમયમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે કોન્ટેકટ ટ્રેસીંગ સહિતના પગલાઓની વિગતો તેમણે આપી હતી.
આ બેઠકમાં મેયર હેમાલી બોઘાવાલા, ધારાસભ્ય કિશોર કાનાણી, અરવિંદ રાણા, પ્રવીણ ઘોઘારી, વિવેક પટેલ, વી.ડી.ઝાલાવડીયા, સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એસ.ગઢવી, પાલિકા તથા જિલ્લાના આરોગ્ય અધિકારીઓ, સિવિલ-સ્મિમેરના તબીબો ઉપસ્થિત રહ્યા હતા.