વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ઉર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલી ભરતીને લઈને એક પછી એક ખુલાસાઓ કરી રહ્યા છે. ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ એક મોટો ખુલાસો કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ રાજ્યમાં એક કૌભાંડ ચાલી રહ્યું છે, તેમાં પરિવારવાદ, ઓળખાણવાદ અને નજીકના સગા સબંધીઓને લગાડવાના એક સુયોજિત કાવતરું કરવામાં આવી રહ્યું છે. સાથે જ ખોટી રીતે નોકરીઓ મેળવવી તેમજ વચેટીયા સહિતનાં દુષણોથી વિભાગ ખડબડી રહ્યો હોવાનું જણાવ્યું હતું.
ઉર્જાવિભાગ ભરતીકાંડમાં આક્ષેપનો મામલે એક બાદ એક આપ અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ મોટા ખુલાસા કરી રહ્યા છે ત્યારે તેમણે થોડા દિવસ અગાઉ ટ્વીટ કરી લખ્યું હતું કે પીચર અભી બાકી હૈ મેરે દોસ્ત……. #વ્યાપમ_નહીં_મહા_વ્યાપક. આ જોતાં તો લાગી રહ્યું છે કે યુવરાજસિંહ કઈક મોટો ઘટસ્ફોટ કરવા જઈ રહ્યો હોવાની ચર્ચાઓ ઉઠી હતી. ત્યારે આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમણે ઉર્જા વિભાગની ભરતીમાં ભ્રષ્ટાચાર અંગેના વધુ આક્ષેપો કરતા હવે વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે આ આરોપોમાં કેટલી સચ્ચાઈ છે તે તો તટસ્થ તપાસ થાય તો જ જાણી શકાશે. ત્યારે હવે ગુજરાત સરકાર આ અંગે ક્યારે અને કેવા પગલાં ભરે છે તેના ઉપર લોકોની મીટ મંડાયેલી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પકન યુવરાજસિંહે આરોપ લગાવતા જણાવ્યું હતું કે રાજ્યના ઉર્જા વિભાગના UGVCL, PGVCL, DGVCLમાં ગેરરીતિથી પાસ થયેલા ફરજ બજાવે છે. જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓની સંડોવણી છે. કુલ 11 વિદ્યાર્થીઓ કૌભાંડમાં સંડોવાયેલા છે. ધવલ પટેલ, કૃશાંગ પટેલ, રજનીશ પટેલ, આંચલ પટેલ પર આરોપ છે. રાહુલ પટેલ, પ્રદીપ પટેલ, ધ્રુવ પટેલ પર આક્ષેપ છે. જ્યારે બાબુ પટેલ, જીગીશા પટેલ પર ગેરરીતિથી પાસ થવાનો આરોપ છે. અને શરૂઆતમાં ટોકન અને બાદમાં બાકીની રકમ અપાય છે. યુવરાજસિંહનાં આ આરોપો બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે તપાસનાં આદેશો અપાયા હતા.