ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે પટેલ સરકાર માસ્ટર સ્ટ્રોક મારવાની તૈયારીમાં છે. બજેટમાં ગૃહણીઓના નામ ઉપર લેવાનારી મિલ્કત ઉપર સ્ટેમ્પ ડ્યુટી ઝીરો ટકા કરવા અને મધ્યમ વર્ગ માટે રહેઠાણના વીજબીલમાં વીજશૂલ્ક દરમાં ઘટાડો કરવા સહિતનાં અનેક મુદ્દે ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે. UP માં યોગી સરકારે વીજ બીલમાં આપેલી રાહતની તર્જ ઉપર ગુજરાત સરકાર કામ કરી રહી છે. અને આગામી મહિને રજૂ થનાર બજેટમાં જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.
આગામી ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં ગુજરાતની વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેના બીજા દિવસે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત સરકારનું વર્ષ 2022-23નું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરાશે. તેઓ રાજ્ય વિધાનસભાના ઈતિહાસમાં સૌથી મોટી ઉંમર ધરાવતા પ્રથમ નાણાંમંત્રી હશે. આ તેમનું વર્તમાન રાજ્ય સરકારનું અને નાણાં વિભાગના નવા અગ્ર સચિવ જે.પી.ગુપ્તાનું પ્રથમ અને અંતિમ બજેટ હશે. નવેમ્બર-ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ બાદ નવી સરકાર શાસનમાં આવશે.
નાણાં વિભાગના સૂત્રોની માહિતી મુજબ રાજ્ય સરકારના તમામ 26 વિભાગોમાં વર્ષ 2022-23 વર્ષના બજેટની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી નવેમ્બર ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોવાથી આ અંતિમ બજેટમાં લોકોને સ્પર્શે તેવી નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) રાજ્ય સરકારના દાયરામાં નથી આવતો, પરંતુ રાજ્ય સરકાર પોતાના કરવેરામાં કેટલીક રાહતો આપે તેવી સંભાવના વર્તાઇ રહી છે. એમ કહી શકાય કે, આ વખતનું બજેટ કરવેરા વિહોણું હશે.
દરમિયાન રાજ્યના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના જણાવ્યા પ્રમાણે, 2022-23નું બજેટ સંપૂર્ણ કદનું રહેશે. જોકે, બજેટ વિભાગના નિષ્ણાંતો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, રાજ્ય સરકાર ભલે સંપૂર્ણ કદનું બજેટ રજુ કરે, પરંતુ આગામી નવેમ્બર- ડિસેમ્બર, 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના નાણાંમંત્રીએ તેમના બજેટમાં કરાયેલી જોગવાઇમાંથી 6 મહિના માટેના ખર્ચનું લેખાનુદાન પસાર કરાવવું પડશે. રાજ્યનું બજેટ નાણાં વિભાગ તૈયાર કરે છે, પરંતુ તે પહેલાં સરકારના તમામ 26 વિભાગોના ઉચ્ચ અધિકારીઓ પાસેથી નવી દરખાસ્ત અને નવી યોજનાઓ, આવક અને ખર્ચની વિગત મેળવવામાં આવે છે. અત્યારે સચિવાલયના પ્રત્યેક વિભાગો બજેટની તૈયારીમાં લાગી ચૂક્યાં છે.