રાત્રે ૩ વાગ્યે આંખ ખુલે ત્યારે ભૂલથી પણ ન કરતા આ 3 કામ, ડૉક્ટરોએ આપી ગંભીર ચેતવણી!
શું તમારી સાથે પણ એવું થાય છે કે રાત્રે અચાનક બરાબર ૩ વાગ્યે તમારી ઊંઘ ખૂલી જાય અને પછી લાંબા સમય સુધી ઊંઘ ન આવે? આ એક એવી સામાન્ય સમસ્યા છે જેનો સામનો ઘણા લોકો કરે છે. સ્લીપ એક્સપર્ટ ડૉ. માઈકલ બ્રુસે તાજેતરમાં જ એક વીડિયોમાં આ બાબતે ચર્ચા કરી છે અને જણાવ્યું છે કે રાત્રે ૩ વાગ્યે ઊંઘ ખૂલે ત્યારે કઈ ત્રણ ભૂલો ક્યારેય ન કરવી જોઈએ. ડૉ. બ્રુસના મતે, આ સમયે ઘડિયાળ સામે જોવાનું ટાળવું જોઈએ, ફોનનો ઉપયોગ ન કરવો જોઈએ અને જો ઊંઘ ન આવતી હોય તો પથારીમાં બેચેન થઈને પડી રહેવાને બદલે યોગ્ય પગલાં લેવા જોઈએ.

પરંતુ સવાલ એ થાય છે કે આ સમયે જ કેમ આંખ ખૂલે છે અને તેના પાછળના વાસ્તવિક કારણો શું છે? મુંબઈની વોકહાર્ટ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ ડૉ. પ્રશાંત મખીજાના જણાવ્યા અનુસાર, રાત્રે ૩ કે ૩:૩૦ ની આસપાસ જાગી જવું એ કોઈ અસામાન્ય વાત નથી અને તેનો અર્થ એ નથી કે તમને કોઈ ગંભીર સ્લીપ ડિસઓર્ડર (ઊંઘની બીમારી) છે. છતાં કેટલીક ખાસ આદતો અને સ્વાસ્થ્ય સંબંધિત પરિબળો આ પ્રકારની જાગૃતિને વારંવાર લાવી શકે છે.
રાત્રે અચાનક ૩ વાગ્યે આંખ કેમ ખૂલી જાય છે?
ડૉ. મખીજા સ્પષ્ટ કરે છે કે રાત્રે આ સમયે ઊંઘ ઊડી જવી એ સામાન્ય છે. તેના માટે આપણા શરીરની દિનચર્યા અને આદતો જવાબદાર હોય છે.
માનસિક તણાવ અને ચિંતા: દિવસભરની ચિંતાઓ અને સ્ટ્રેસ અચેતન મનમાં ઘર કરી જાય છે, જે રાત્રે ઊંઘમાં અડચણરૂપ બને છે.
અિયમિત ઊંઘનું શેડ્યૂલ: રોજ રાત્રે સૂવા અને સવારે જાગવાના સમયમાં અનિયમિતતા હોવાથી શરીરનું બાયોલોજિકલ ક્લોક (ઘડિયાળ) ખોરવાઈ જાય છે.
ખોટી ખાનપાનની આદતો: મોડેથી કોફી કે ચા પીવી, રાત્રે ભારે ખોરાક (હેવી મીલ) લેવો અથવા સૂવાના થોડા સમય પહેલા આલ્કોહોલનું સેવન કરવું.
સ્ક્રીન ટાઇમ: રાત્રે સૂતી વખતે વધુ પડતો મોબાઈલ કે ટીવીનો ઉપયોગ કરવો.
શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓ: ‘સ્લીપ અપનિયા’ (ઊંઘમાં શ્વાસ રૂંધાવો) જેવી પરિસ્થિતિ પણ રાત્રે અચાનક ઊંઘ બગાડી નાખે છે.
રાત્રે ૩ વાગ્યે જાગી જાઓ ત્યારે આ ૩ બાબતો ક્યારેય ન કરો
જ્યારે રાત્રે અચાનક આંખ ખૂલી જાય, ત્યારે આપણી નાની-નાની આદતો ઊંઘને વધુ દૂર ભગાડી શકે છે. નિષ્ણાતો આ સમયે ત્રણ મોટી ભૂલો ન કરવાની સલાહ આપે છે:
૧. ઘડિયાળ સામે જોવાનું ટાળો
રાત્રે અચાનક જાગી જવું એ કોઈ મોટી સમસ્યા નથી, પરંતુ અસલી મુશ્કેલી ત્યારે શરૂ થાય જ્યારે તમે જાગી જવા પર ચિંતા કરવા લાગો. ઘડિયાળમાં જોઈને એમ વિચારવું કે, “અરે! હવે તો માત્ર બે જ કલાક બાકી રહ્યા છે” કે “કાલે સવારે હું નોકરી કે કામ પર ખૂબ થાકી જઈશ,” આ બધી વાતો મનમાં નકારાત્મક વિચારો લાવે છે.
ડૉ. મખીજા સમજાવે છે કે માત્ર સમય જોવાથી કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) સીધો વધી જતો નથી, પરંતુ ઊંઘ ગુમાવવાની ચિંતા તમારા મગજને વધુ સજ્જ અને સતર્ક બનાવી દે છે. તેથી, કેટલો સમય બાકી છે તે ગણવા કરતાં શાંતિથી સૂવાનો પ્રયાસ કરો અને શરીરને કુદરતી રીતે ફરી ઊંઘવા દો.

૨. મોબાઈલ ફોન હાથમાં ન લો
ઘણા લોકોને ટેવ હોય છે કે રાત્રે આંખ ખુલે એટલે તરત જ મોબાઈલ ચેક કરવા લાગે છે – મેસેજ જોવા, સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવું કે સમાચાર વાંચવા. આ આદત ઊંઘને સંપૂર્ણપણે બગાડી નાખે છે. ફોનની સ્ક્રીનમાંથી નીકળતો તેજ પ્રકાશ અને નોટિફિકેશન્સ મગજને ઉત્તેજિત કરે છે, જે શરીરના કુદરતી ઊંઘના સંકેતોને નબળા પાડે છે. ડૉ. મખીજા કહે છે કે આનાથી મગજ વધુ સક્રિય થઈ જાય છે અને ફરી સૂવું મુશ્કેલ બને છે.
૩. ઊંઘ ન આવે તો પથારીમાં જબરજસ્તી પડ્યા ન રહો
એવું માનવામાં આવે છે કે રાત્રે જાગ્યા પછી પથારી છોડીને બહાર ન જવું જોઈએ, પરંતુ તેનો એ અર્થ નથી કે જો તમને બિલકુલ ઊંઘ ન આવતી હોય અને અકળામણ વધતી હોય તો તમે કલાકો સુધી પથારીમાં તાણ અનુભવતા પડી રહો. જો લાંબા સમય સુધી ઊંઘ ન આવે, તો પથારીમાંથી થોડીવાર માટે ઊભા થઈને હળવાશ અનુભવવી વધુ સારું છે.
ઊંઘ પાછી લાવવા માટે શું કરવું જોઈએ?
જો રાત્રે અચાનક ઊંઘ ઉડી જાય, તો ગભરાવાને બદલે મનને શાંત રાખવું ખૂબ જરૂરી છે. લાંબા અને ઊંડા શ્વાસ લો (ડિપ બ્રીધિંગ), રૂમમાં અંધારું અને શાંતિ જાળવી રાખો, અને મનમાં કોઈ નકારાત્મક કે ભારે વિચારો ન લાવવા દો. જો જરૂર લાગે તો પુસ્તક વાંચી શકો છો, પરંતુ ક્યારેય ફોન કે ઘડિયાળ સામે ન જુઓ. સ્વસ્થ જીવનશૈલી અપનાવીને અને રાત્રિના સમયે યોગ્ય આહાર રાખીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.
