શરીરમાં દેખાતા આ ફેરફારો હોઈ શકે છે કેન્સરની શરૂઆત: જાણો કયા સંકેતો પર તબીબી તપાસ કરાવવી અનિવાર્ય
આપણા સમાજમાં ‘કેન્સર’ શબ્દ સાંભળતા જ મનમાં એક પ્રકારનો ડર અને અસલામતીની ભાવના પેદા થઈ જાય છે. ભારતમાં કેન્સર આજે એક ગંભીર અને મુખ્ય આરોગ્ય પડકાર બની ગયો છે, જેમાં દર વર્ષે લાખો નવા દર્દીઓનો ઉમેરો થાય છે. આ ઘાતક રોગ સામે લડવા અને લોકોમાં જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે ૭ નવેમ્બરના રોજ ‘રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ’ ઉજવવામાં આવે છે. કેન્સર વિશે સાચી સમજ મેળવવી, દેશમાં સૌથી વધુ પ્રચલિત કેન્સરના પ્રકારો જાણવા અને શરીર દ્વારા આપવામાં આવતા પ્રારંભિક સંકેતોને સમયસર ઓળખી કાઢવા એ જીવ બચાવવા માટે અત્યંત આવશ્યક છે.
ફોર્ટિસ હેલ્થકેરના અહેવાલ અને સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, નવા કેસોની સંખ્યાના આધાર પર ‘સ્તન કેન્સર’ (Breast Cancer) હાલમાં ભારતમાં સૌથી સામાન્ય કેન્સર તરીકે ઉભરી આવ્યું છે, જે વિશેષરૂપે સ્ત્રીઓમાં સૌથી વધુ જોવા મળે છે. આ ઉપરાંત ફેફસાંનું કેન્સર, મૌખિક (મોઢાનું) કેન્સર, સર્વાઇકલ કેન્સર, પેટનું કેન્સર અને કોલોરેક્ટલ કેન્સર પણ આપણા દેશમાં મુખ્યત્વે ફેલાયેલા કેન્સરના પ્રકારોમાં સામેલ છે.

૧. સ્તન કેન્સર (Breast Cancer)
ભારતીય મહિલાઓમાં સૌથી વધુ ફેલાતું સ્તન કેન્સર આનુવંશિક કારણો, જીવનશૈલીમાં આવેલા ઝડપી ફેરફારો, હોર્મોનલ અસંતુલન અને વધતી ઉંમર જેવા વિવિધ પરિબળોને કારણે થઈ શકે છે. સ્થૂળતા, આલ્કોહોલનું સેવન, મોડા મેનોપોઝ અને નિઃસંતાનતા કે મોટી ઉંમરે સંતાન થવું જેવા જોખમી પરિબળો આ રોગને આમંત્રણ આપે છે.
ધ્યાન રાખવાના લક્ષણો: સ્તનમાં અથવા બગલમાં ગાંઠ અનુભવાવી, સ્તનાકારમાં અસામાન્ય ફેરફાર થવો અથવા સ્તનની ડીંટડીમાંથી લોહી કે અસામાન્ય પ્રવાહી સ્રાવ થવો. ડૉક્ટરની નિયમિત તપાસ અને મેમોગ્રામ દ્વારા આ રોગનું વહેલું નિદાન શક્ય બને છે.
૨. ફેફસાનું કેન્સર (Lung Cancer)
ખાસ કરીને પુરુષોમાં ફેફસાંનું કેન્સર ચિંતાજનક સ્તરે વધી રહ્યું છે. તમાકુ અને સિગારેટ-બીડીનું ધૂમ્રપાન આનું સૌથી મોટું કારણ છે. આ ઉપરાંત સેકન્ડહેન્ડ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ, એસ્બેસ્ટોસ અને હાનિકારક ગેસના સંપર્કમાં આવવાથી જોખમ અનેકગણું વધી જાય છે.
ધ્યાન રાખવાના લક્ષણો: લાંબા સમય સુધી મટતી ન હોય તેવી ઉધરસ, ખાંસી સાથે લોહી પડવું, છાતીમાં સતત દુખાવો રહેવો અને અચાનક વજન ઘટવું જેવા સંકેતોને ક્યારેય અવગણવા નહીં.
૩. મૌખિક કેન્સર (Oral Cancer)
ભારતમાં મોઢા, હોઠ, જીભ અને પેઢાનું કેન્સર ખૂબ જ સામાન્ય છે. ગુટખા, ખૈની, તમાકુ, સોપારીનું સેવન, ધૂમ્રપાન અને વધુ પડતો દારૂ આ કેન્સરના મુખ્ય દુશ્મનો છે.
ધ્યાન રાખવાના લક્ષણો: મોઢામાં સફેદ કે લાલ ફોલ્લીઓ થવી, લાંબા સમય સુધી ન મટે તેવું ચાંદું કે ઘા રહેવો અથવા મોઢાની અંદર અસામાન્ય માંસપેશીઓની વૃદ્ધિ થવી એ મૌખિક કેન્સરના પ્રારંભિક સંકેતો છે.
૪. સર્વાઇકલ કેન્સર અને પેટનું કેન્સર
ભારતીય મહિલાઓમાં સર્વાઇકલ કેન્સર પણ એક ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા છે, જે મોટેભાગે ‘હ્યુમન પેપિલોમાવાયરસ’ (HPV) ના સતત સંક્રમણને કારણે થાય છે. પેપ સ્મીયર પરીક્ષણ અને સમયસર HPV રસીકરણ દ્વારા આનાથી સુરક્ષિત રહી શકાય છે. બીજી તરફ, પેટનું કેન્સર (ગેસ્ટ્રિક કેન્સર) શરૂઆતના તબક્કામાં હળવા લક્ષણો આપે છે. હેલિકોબેક્ટર પાયલોરી બેક્ટેરિયાનો ચેપ, વધુ મીઠું કે પ્રોસેસ્ડ ફૂડ ખાવાની ટેવ આમાં જોખમ વધારે છે. સતત અપચો, હાર્ટબર્ન, ઉબકા અને થોડું ખાવા છતાં પેટ ભરેલું લાગવું તેના લક્ષણો છે.

૫. કોલોરેક્ટલ કેન્સર અને સામાન્ય ચેતવણીઓ
મોટા આંતરડા કે ગુદામાર્ગને અસર કરતું કોલોરેક્ટલ કેન્સર સામાન્ય રીતે ૫૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં વધુ જોવા મળે છે. ફાઈબર વગરનો ખોરાક, સ્થૂળતા અને શારીરિક શ્રમનો અભાવ આના જોખમો છે. પેટમાં ખેંચાણ અને મળમાં લોહી આવવું તેના મુખ્ય લક્ષણો છે.
શરીરમાં થતો અચાનક વજન ઘટાડો, કાયમી થાક, શરીરના કોઈપણ ભાગમાં ગાઠ થવી, ન રૂઝાતો ઘા અને અવાજમાં લાંબા સમય સુધી ફેરફાર રહેવો એ સામાન્ય સંકેતો છે જે કેન્સર તરફ ઈશારો કરી શકે છે.
જીવનશૈલીમાં બદલાવ અને વહેલા નિદાનનું મહત્વ
તમાકુ અને આલ્કોહોલથી દૂર રહેવું, તાજા ફળો અને લીલા શાકભાજી યુક્ત સંતુલન આહાર લેવો, વજન નિયંત્રણમાં રાખવું અને નિયમિત કસરત કરવી એ કેન્સર સામે રક્ષણ મેળવવાના રામબાણ ઉપાયો છે. કેન્સર ગમે તેટલું ગંભીર હોય, પરંતુ જો તેનું વહેલું નિદાન થઈ જાય તો સાજા થવાની સંભાવના ઘણી વધી જાય છે. તેથી જ, શરીરમાં કોઈપણ અસામાન્ય ફેરફાર દેખાય તો તરત જ તબીબી સલાહ લેવી સમજદારી ભરેલું પગલું છે.
