‘રાઇટ અબાઉટ એવરીથિંગ’ લખેલી ટોપી પહેરીને અમેરિકન રાષ્ટ્રપતિએ દાવો કર્યો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર મોટો દાવો કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંભવિત પરમાણુ યુદ્ધ થતું અટકાવ્યું હતું. વ્હાઇટ હાઉસમાં ‘રાઇટ અબાઉટ એવરીથિંગ’ (બધું જ સાચું) લખેલી લાલ ટોપી પહેરીને તેમણે કહ્યું કે તે સમયે પરિસ્થિતિ અત્યંત ખતરનાક હતી અને તેમના હસ્તક્ષેપથી જ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ શક્ય બન્યો.
ભારતે ટ્રમ્પના દાવાને નકારી કાઢ્યો
ટ્રમ્પના આ દાવાને ભારતે વારંવાર નકારી કાઢ્યો છે. નવી દિલ્હીનું કહેવું છે કે યુદ્ધવિરામનો નિર્ણય કોઈ ત્રીજા દેશની મધ્યસ્થીથી નહીં, પરંતુ ભારત અને પાકિસ્તાનની સેનાઓના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMOs) વચ્ચે સીધી વાતચીત દ્વારા લેવામાં આવ્યો હતો. ભારતે સ્પષ્ટ કર્યું કે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયા બાદ જ તેઓ યુદ્ધવિરામ માટે સંમત થયા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં પણ કહ્યું હતું કે આ નિર્ણય સંપૂર્ણપણે ભારતનો હતો અને તેમાં કોઈ વિદેશી નેતાની કોઈ ભૂમિકા નહોતી.
ટ્રમ્પે ૧૦ મેના રોજ સોશિયલ મીડિયા પર પહેલીવાર આ દાવો કર્યો હતો અને ત્યારથી તેઓ જાહેરમાં ૪૦થી વધુ વખત આ વાતનું પુનરાવર્તન કરી ચૂક્યા છે.

યુક્રેન યુદ્ધ અને અન્ય દાવાઓ
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામના દાવા ઉપરાંત, ટ્રમ્પે યુક્રેન યુદ્ધ વિશે પણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે તેઓ આગામી બે અઠવાડિયામાં યુક્રેન યુદ્ધ અંગે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવા જઈ રહ્યા છે. આ નિર્ણય રશિયા પર ભારે પ્રતિબંધો અથવા ટેરિફ લાદવાનો હોઈ શકે છે, અથવા તો અમેરિકા આ યુદ્ધથી સંપૂર્ણપણે અલગ પણ થઈ શકે છે.

તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી વચ્ચે સીધી મુલાકાત પર પણ ભાર મૂક્યો. ટ્રમ્પે કહ્યું કે આ યુદ્ધનો અંત લાવવા માટે બંને નેતાઓનું એકસાથે બેસવું જરૂરી છે. આ ઉપરાંત, ટ્રમ્પે એક મોટો દાવો કરતા કહ્યું કે તેમણે અત્યાર સુધીમાં સાત યુદ્ધો સમાપ્ત કર્યા છે અને શરૂ થતા ત્રણ યુદ્ધોને રોકવામાં ભૂમિકા ભજવી છે, જોકે તેમણે કયા યુદ્ધોનો ઉલ્લેખ કર્યો તે સ્પષ્ટ કર્યું નથી.
