એશિયા કપ ‘રાઈઝિંગ સ્ટાર્સ’માં ભારત ‘A’ની હાર, કેપ્ટન તિલક વર્માની સદી પણ ન આવી કામ
એશિયા કપ ‘રાઈઝિંગ સ્ટાર્સ’ ૨૦૨૬માં ભારત ‘A’ અને પાકિસ્તાન ‘A’ વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ભારતીય ટીમને પરાજયનો સામનો કરવો પડ્યો છે. દોહાના વેસ્ટ એન્ડ પાર્ક ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ટુર્નામેન્ટની આઠમી મેચમાં પાકિસ્તાને ભારતને ૪૮ રનથી હરાવ્યું હતું. પાકિસ્તાન ‘A’એ પ્રથમ બેટિંગ કરતાં ૪૯.૨ ઓવરમાં ૩૧૩ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ ૪૯.૧ ઓવરમાં ૨૬૫ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ભારત ‘A’ના કેપ્ટન તિલક વર્માએ શાનદાર સદી ફટકારીને ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની મહેનત સફળ રહી નહોતી. તિલકે ૧૪૯ બોલમાં ૧૦૦ રનની ધીરજભરી ઇનિંગ્સ રમી હતી. તેમની ઇનિંગ્સમાં ૭ ચોગ્ગા અને ૧ છગ્ગો સામેલ હતો. અભિષેક શર્મા અને શાહબાઝ અહેમદે પણ ઉપયોગી બેટિંગ કરી હતી, છતાં ભારતીય ટીમ લક્ષ્યાંક સુધી પહોંચી શકી નહોતી.

તિલક વર્માની સદી, અભિષેક અને શાહબાઝનું યોગદાન
૩૧૪ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારત ‘A’ની શરૂઆત ખાસ રહી નહોતી. જોકે, કેપ્ટન તિલક વર્માએ એક છેડો સંભાળીને ઇનિંગ્સને આગળ વધારી હતી. તેમણે જવાબદારીપૂર્વક બેટિંગ કરતાં ૧૪૯ બોલમાં ૧૦૦ રન બનાવ્યા અને ટીમની જીતની આશા જીવંત રાખી હતી.તિલકને અભિષેક શર્માનો સારો સાથ મળ્યો હતો. અભિષેકે ૭૦ રનની ઇનિંગ્સ રમીને ભારતીય બેટિંગને મજબૂતી આપી હતી. બંનેના યોગદાનથી ભારત ‘A’ લક્ષ્યાંક તરફ આગળ વધ્યું હતું, પરંતુ પાકિસ્તાની બોલરોએ સમયાંતરે વિકેટો મેળવીને ભારતીય ટીમ પર દબાણ જાળવી રાખ્યું હતું.
મધ્યક્રમમાં શાહબાઝ અહેમદે પણ પોતાની બેટિંગનો પરિચય આપ્યો હતો. તેણે ૪૯ બોલમાં ૫૬ રન બનાવ્યા હતા. તિલક, અભિષેક અને શાહબાઝની ઇનિંગ્સ છતાં ભારતીય ટીમને જરૂરી ગતિ મળી શકી નહોતી. અંતે ભારત ‘A’ની ઇનિંગ્સ ૨૬૫ રનમાં સમેટાઈ ગઈ અને ટીમને ૪૮ રનથી હાર મળી.યુવા બેટર વૈભવ સૂર્યવંશી માટે પણ આ મેચ ખાસ રહી નહોતી. તે માત્ર ૧૧ રન બનાવીને આઉટ થયો હતો. ટુર્નામેન્ટમાં તેની પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, પરંતુ પાકિસ્તાન સામે પણ તે પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો.
પાકિસ્તાન ‘A’ની મજબૂત શરૂઆત, ઓપનિંગ જોડીએ ઉમેર્યા ૬૬ રન
મેચમાં પાકિસ્તાન ‘A’એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનર શામિલ હુસૈન અને માઝ સદકતે આક્રમક શરૂઆત કરતાં ભારતીય બોલરો પર દબાણ બનાવ્યું હતું. બંનેએ પ્રથમ વિકેટ માટે માત્ર ૭.૫ ઓવરમાં ૬૬ રન જોડ્યા હતા.
શામિલ હુસૈને ૨૩ બોલમાં ૩૩ રન બનાવ્યા હતા. જોકે, હર્ષિત રાણા સાથેની બોલાચાલી બાદ તે ટૂંક સમયમાં આઉટ થયો હતો. આયુષ બદોનીના બોલ પર હર્ષિત રાણાએ તેનો કેચ પકડ્યો હતો. ત્યારબાદ રાણાએ રોહેલ નઝીરની વિકેટ પણ ઝડપી હતી, જેના કારણે પાકિસ્તાનનો સ્કોર બે વિકેટે ૬૭ રન થયો હતો.આ શરૂઆતના આંચકાઓ બાદ હસન નવાઝે ઇનિંગ્સને સંભાળી હતી. તેણે માઝ સદકત સાથે ત્રીજી વિકેટ માટે ૫૪ રનની ભાગીદારી કરી હતી. સદકતે ૬૩ બોલમાં ૫૯ રન બનાવ્યા હતા, પરંતુ સૂર્યાંશ શેડગેએ તેની વિકેટ લઈને આ જોડીને તોડી હતી.

હસન નવાઝ અને અબ્દુલ સમદે પાકિસ્તાનને ૩૦૦ પાર પહોંચાડ્યું
માઝ સદકતના આઉટ થયા બાદ કેપ્ટન અબ્દુલ સમદ હસન નવાઝ સાથે જોડાયો હતો. બંનેએ ચોથી વિકેટ માટે ૬૫ રન ઉમેર્યા હતા. જોકે, સમદ રનઆઉટ થઈ ગયો હતો. આ વિકેટમાં રિંકુ સિંહ અને વિકેટકીપર કુમાર કુશાગ્ર વચ્ચે સારો તાલમેલ જોવા મળ્યો હતો.ત્યારબાદ ભારતીય બોલરોએ વાપસીનો પ્રયાસ કર્યો હતો. સૂર્યાંશ શેડગેએ હસન નવાઝને આઉટ કરીને પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો હતો. નવાઝે ૭૯ રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. તેની વિકેટ પડ્યા બાદ પાકિસ્તાનનો સ્કોર ૩૮.૨ ઓવરમાં પાંચ વિકેટે ૨૩૦ રન હતો.
અંતિમ ઓવરોમાં ફરહાન યુસુફે આક્રમક બેટિંગ કરીને પાકિસ્તાનનો સ્કોર ૩૦૦ની પાર પહોંચાડ્યો હતો. તેણે ૪૮ બોલમાં અણનમ ૫૬ રન બનાવ્યા હતા. પાકિસ્તાન ‘A’એ ૪૯.૨ ઓવરમાં ૩૧૩ રન બનાવીને ભારત સામે પડકારજનક લક્ષ્યાંક મૂક્યો હતો.
