50 વર્ષથી બિહારની દીકરીઓનું ભવિષ્ય સંવારી રહ્યાં છે ‘સાયકલ દીદી’ સુધા વર્ગીઝ, જાણો તેમની પ્રેરક કહાની

4 Min Read

સાયકલ દીદી સુધા વર્ગીસ: મુસાહર દીકરીઓના શિક્ષણ માટે પાંચ દાયકાની સંઘર્ષગાથા

કેરળના સમૃદ્ધ પરિવારમાં જન્મેલાં સુધા વર્ગીસે આરામદાયક જીવન છોડીને બિહારના સૌથી વંચિત મુસાહર સમુદાયની દીકરીઓના શિક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. સોળ વર્ષની ઉંમરે બિહાર આવેલાં સુધા આજે ‘સાયકલ દીદી’ તરીકે ઓળખાય છે. પાંચ દાયકાથી વધુ સમયથી તેઓ શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને સામાજિક સમાનતાની નવી કેડીઓ કંડારી રહ્યાં છે.

સમાજમાં કેટલાક એવા લોકો હોય છે, જેમની મહેનત પર આખું ગામ નિર્ભર હોય છે, પરંતુ જેમને સમાન માન-સન્માન મળતું નથી. બિહારનો મુસાહર સમુદાય આવાં જ સામાજિક ભેદભાવનો લાંબા સમયથી સામનો કરી રહ્યો છે. જમીનવિહોણા મજૂરો તરીકે જીવન જીવતા આ સમુદાયના લોકોને શિક્ષણ, આરોગ્ય અને સામાજિક અધિકારોથી વંચિત રાખવામાં આવ્યા છે. ખાસ કરીને દીકરીઓ માટે શાળાએ પહોંચવું એક મોટો પડકાર રહ્યો છે.

- Advertisement -

આવી પરિસ્થિતિમાં સુધા વર્ગીસે માત્ર સેવા કરવાનો માર્ગ પસંદ કર્યો નહીં, પરંતુ વંચિત પરિવારોની વચ્ચે રહીને તેમની સાથે જીવન જીવવાનો નિર્ણય લીધો. તેમની સફર આજે અનેક દીકરીઓ માટે આશા અને આત્મવિશ્વાસનું પ્રતીક બની છે.

કેરળથી બિહાર સુધીની સફર અને ‘સાયકલ દીદી’ની ઓળખ

સુધા વર્ગીસનો જન્મ ૧૯૪૯માં કેરળના કોટ્ટાયમ જિલ્લામાં એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. કિશોરાવસ્થામાં તેઓ ‘સિસ્ટર્સ ઓફ નોટ્રે ડેમ’ ધાર્મિક સંસ્થામાં જોડાયાં. ૧૯૬૦ના દાયકાના મધ્યમાં, લગભગ સોળ વર્ષની ઉંમરે, તેઓ ગરીબોની વચ્ચે સેવા કરવા બિહાર આવ્યાં.વર્ષો સુધી ધાર્મિક સંસ્થાના માધ્યમથી સેવાકાર્ય કર્યા બાદ, ૧૯૮૦ના દાયકામાં તેમને લાગ્યું કે વંચિત લોકોની સમસ્યાઓને વધુ નજીકથી સમજવાની જરૂર છે. તેઓ તેમની વચ્ચે રહીને કામ કરવા માગતાં હતાં.

- Advertisement -

teacher.jpg

બિહારનો મુસાહર સમુદાય સામાજિક ભેદભાવ અને અસ્પૃશ્યતાની પ્રથાનો ભોગ બન્યો હતો. આ સમુદાયના બાળકોને શાળાઓમાં પ્રવેશ મેળવવામાં મુશ્કેલીઓ પડતી હતી, જ્યારે દીકરીઓ માટે શિક્ષણની તક વધુ મર્યાદિત હતી.

આ સ્થિતિ બદલવા માટે સુધા વર્ગીસે ૧૯૮૬માં પટના નજીક દાનાપુરના અસોપુર ગામની મુસાહર વસાહતમાં રહેવાનું શરૂ કર્યું. આસપાસનાં અનેક ગામોમાં પહોંચવા માટે તેમણે સાયકલ ચલાવવાનું શીખ્યું. શરૂઆતમાં મુશ્કેલી પડી, પરંતુ સતત મહાવરાથી તેઓ સાયકલ ચલાવવામાં નિપુણ બન્યાં.આ રીતે તેમને ‘સાયકલ દીદી’ નામ મળ્યું. લગભગ પચાસ ગામોમાં લોકો તેમને આ નામથી ઓળખવા લાગ્યા. જોકે, સુધા આજે પણ લોકોને તેમને માત્ર ‘સુધા’ કહીને બોલાવવાનું કહે છે.

- Advertisement -

‘નારી ગુંજન’: શિક્ષણથી મહિલા સશક્તિકરણ સુધી

મુસાહર દીકરીઓને શિક્ષણની તક મળે તે માટે સુધા વર્ગીસે ૧૯૮૭માં ‘નારી ગુંજન’ સંસ્થાની સ્થાપના કરી. આ નામનો અર્થ થાય છે ‘સ્ત્રીઓનો અવાજ’.શરૂઆતમાં નાના શિક્ષણ કેન્દ્રો દ્વારા છોકરીઓને વાંચતા-લખતા શીખવવામાં આવતું હતું. સાથે જ તેમને સ્વાસ્થ્ય, પોષણ અને નાણાકીય વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન આપવામાં આવતું હતું. ધીમે ધીમે આ પહેલ વિસ્તરીને લગભગ પચાસ કેન્દ્રો સુધી પહોંચી, જેમાં આશરે ૧,૫૦૦ છોકરીઓ જોડાઈ.

મુસાહર મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે એક હજારથી વધુ સ્વ-સહાય જૂથો પણ રચવામાં આવ્યાં. ૨૦૦૫માં દાનાપુર નજીક લાલ કોઠી ખાતે ‘પ્રેરણા’ નામની નિવાસી શાળા શરૂ કરવામાં આવી. આ શાળાએ દીકરીઓને સુરક્ષિત વાતાવરણમાં રહીને અભ્યાસ કરવાની તક આપી.

સંસ્થાએ ‘સરગમ’ નામનું સંગીત જૂથ પણ બનાવ્યું, જેમાં સંપૂર્ણપણે દલિત મહિલાઓ સામેલ હતી. મહિલાઓ દ્વારા ઢોલ વગાડવાની આ પહેલ સામાજિક પરંપરાઓને પડકારતી હતી.સુધા વર્ગીસના જણાવ્યા અનુસાર, ‘નારી ગુંજન’ના સહયોગથી અત્યાર સુધીમાં ૨,૦૦૦થી વધુ છોકરીઓએ હાઈસ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું છે અથવા વ્યવસાયિક તાલીમ મેળવી છે. અનેક દીકરીઓ આજે પોતાના પગ પર ઊભી રહીને પરિવારને સહારો આપી રહી છે.

પદ્મશ્રી સન્માન છતાં સંઘર્ષ ચાલુ

વંચિત સમુદાયના અધિકારો માટે અવાજ ઉઠાવતાં સુધા વર્ગીસને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી. તેમ છતાં તેમણે પોતાનું કાર્ય અટકાવ્યું નહીં.વર્ષ ૨૦૦૬માં રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામે તેમને ‘પદ્મશ્રી’ પુરસ્કારથી સન્માનિત કર્યા. આ સન્માન તેમની લાંબી સેવાયાત્રાની મહત્વપૂર્ણ ઓળખ બની રહ્યું.

સુધા વર્ગીસનું માનવું છે કે મુસાહર મહિલાઓને લાંબા સમયથી એવું કહેવામાં આવ્યું છે કે તેઓ સારા જીવન માટે લાયક નથી. આ માનસિકતા બદલવી જરૂરી છે. શિક્ષણ દ્વારા દીકરીઓને આત્મવિશ્વાસ આપવો અને તેમને પોતાના અધિકારો માટે ઊભા રહેવા પ્રેરિત કરવું એ તેમનું મુખ્ય લક્ષ્ય છે.

Share This Article