મિશેલ માર્શની સદી પર પાણી ફરી વળ્યું, અંતિમ ઓવરમાં હેનરી ક્રોકોમ્બેનો કહેર; ઈંગ્લેન્ડે 7 રને જીતી T20I શ્રેણી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મિશેલ માર્શે પોતાની તોફાની બેટિંગથી ઈંગ્લેન્ડના બોલરોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા, પરંતુ ક્રિકેટમાં છેલ્લી ઘડી સુધી કંઈ પણ શક્ય છે તે ફરી એકવાર સાબિત થયું. પાંચ મેચની T20I શ્રેણીની ચોથી મેચમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 7 રનથી હરાવીને શ્રેણી પર કબજો જમાવી લીધો છે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં માર્શે માત્ર 57 બોલમાં 119 રનની શાનદાર સદી ફટકારી હતી. એક સમયે ઓસ્ટ્રેલિયાની જીત લગભગ નિશ્ચિત જણાતી હતી, પરંતુ 25 વર્ષીય ઈંગ્લિશ બોલર હેનરી ક્રોકોમ્બેએ અંતિમ ઓવરમાં સતત બે બોલ પર બે વિકેટ લઈને મેચનું પાસું પલટી નાખ્યું હતું.
ઓસ્ટ્રેલિયાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 12 રનની જરૂર હતી. જોકે, ક્રોકોમ્બેના શાનદાર પ્રદર્શન સામે ઓસ્ટ્રેલિયન બેટરો ટકી શક્યા નહોતા. આ જીત સાથે ઈંગ્લેન્ડે પાંચ મેચની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ ઉપરાંત, ઈંગ્લેન્ડે સતત છઠ્ઠી દ્વિપક્ષીય T20I શ્રેણી જીતવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ, સેમ કરને સંભાળી ઇનિંગ્સ
મેચમાં ટોસ બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલરો રિલે મેરેડિથ અને સ્પેન્સર જોન્સને પાવરપ્લેમાં જ ઈંગ્લેન્ડના બેટરોને મુશ્કેલીમાં મૂકી દીધા હતા. બંને બોલરોએ શરૂઆતની ઓવરોમાં ચાર વિકેટ ઝડપી લેતાં ઈંગ્લેન્ડનો સ્કોર માત્ર 47 રનમાં ચાર વિકેટ થઈ ગયો હતો.
આ મુશ્કેલ પરિસ્થિતિમાં જોર્ડન કોક્સ અને જેમ્સ કોલ્સે ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. કોલ્સે 33 રન બનાવીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં યોગદાન આપ્યું હતું. જોકે, ઈંગ્લેન્ડના સ્કોરને ગતિ આપવાનું કામ સેમ કરને કર્યું હતું. તેણે આક્રમક બેટિંગ કરતાં માત્ર 28 બોલમાં અણનમ 50 રન ફટકાર્યા હતા.
સેમ કરને અંતિમ ઓવરોમાં ઓસ્ટ્રેલિયન બોલરો પર દબાણ વધાર્યું હતું. તેની સાથે જેમી ઓવરટને પણ ઝડપી રન બનાવ્યા હતા. ખાસ કરીને છેલ્લી ત્રણ ઓવરમાં ઈંગ્લેન્ડે 51 રન ઉમેર્યા હતા, જેના કારણે ટીમ સન્માનજનક સ્કોર સુધી પહોંચી શકી હતી. ઈંગ્લેન્ડે નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટના નુકસાને 181 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી સ્પેન્સર જોન્સન અને રિલે મેરેડિથે બે-બે વિકેટ ઝડપી હતી.
મિશેલ માર્શની તોફાની સદી છતાં ઓસ્ટ્રેલિયા પાછળ રહી ગયું
182 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમને કેપ્ટન મિશેલ માર્શે આક્રમક શરૂઆત અપાવી હતી. તેણે શરૂઆતથી જ ઈંગ્લેન્ડના બોલરો પર હુમલો કર્યો હતો. પાવરપ્લે દરમિયાન માર્શે માત્ર 21 બોલમાં 47 રન ફટકારીને ઓસ્ટ્રેલિયાને મજબૂત સ્થિતિમાં પહોંચાડી દીધું હતું.
માર્શે માત્ર 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ત્યારબાદ પણ તેની આક્રમક બેટિંગ ચાલુ રહી હતી અને તેણે માત્ર 49 બોલમાં સદી પૂર્ણ કરી હતી. અંતે માર્શે 57 બોલમાં 119 રનની યાદગાર ઇનિંગ્સ રમી હતી. તેની આ ઇનિંગ્સમાં આકર્ષક ચોગ્ગા અને છગ્ગાનો સમાવેશ થયો હતો.જોકે, માર્શને બીજા છેડેથી પૂરતો સાથ મળ્યો નહોતો. ઓસ્ટ્રેલિયાની વિકેટો નિયમિત અંતરે પડતી રહી હતી. ઈંગ્લેન્ડના અનુભવી સ્પિનર આદિલ રાશિદે પણ ચુસ્ત બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયા પર દબાણ જાળવી રાખ્યું હતું. તેણે પોતાની ચાર ઓવરમાં એક પણ બાઉન્ડ્રી આપી નહોતી અને એક મહત્વપૂર્ણ વિકેટ પણ ઝડપી હતી.

અંતિમ ઓવરમાં ક્રોકોમ્બેએ પલટી બાજી
મેચનો સૌથી રોમાંચક તબક્કો અંતિમ ઓવરોમાં જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાને છેલ્લા 10 બોલમાં જીતવા માટે 29 રનની જરૂર હતી. આ દરમિયાન લોંગ-ઓન પર ટોમ બેન્ટને મિશેલ માર્શનો કેચ છોડ્યો હતો. આ જીવનદાનનો માર્શે ભરપૂર લાભ ઉઠાવ્યો હતો. તેણે જેમી ઓવરટનની ઓવરમાં માત્ર ત્રણ બોલમાં 16 રન ફટકારીને મેચને ફરી રોમાંચક બનાવી દીધી હતી.
આક્રમક બેટિંગ બાદ ઓસ્ટ્રેલિયાને અંતિમ ઓવરમાં જીતવા માટે માત્ર 12 રનની જરૂર રહી હતી. હવે ઈંગ્લેન્ડની જીતની જવાબદારી યુવા બોલર હેનરી ક્રોકોમ્બેના ખભા પર હતી. ભારે દબાણ વચ્ચે તેણે શાનદાર બોલિંગ કરી હતી. ઓવરના શરૂઆતના બે બોલમાં જ સતત બે વિકેટ ઝડપીને તેણે ઓસ્ટ્રેલિયાની જીતની આશાઓને મોટો ફટકો આપ્યો હતો.
ક્રોકોમ્બેએ 28 રન આપીને કુલ ત્રણ વિકેટ ઝડપી હતી. તેના આ પ્રદર્શનને કારણે માર્શની શાનદાર સદી પણ ઓસ્ટ્રેલિયાને જીત અપાવી શકી નહોતી. અંતે ઓસ્ટ્રેલિયાની ટીમ સાત વિકેટ ગુમાવીને 174 રન જ બનાવી શકી હતી અને ઈંગ્લેન્ડે 7 રનથી મેચ જીતી લીધી હતી.
