વિધાનસભાની ચૂંટણીઓમાં 99 સીટ થી જીત મેળવનાર ભાજપનાં હવે મુખ્યમંત્રી માટે મંથન શરૂ થયુ છે ત્યારે સમસ્ત પાટીદાર સમાજ તરફથી વડાપ્રધાન મોદીને લખવામાં આવેલો પત્ર સોશિયલ મિડિયામાં વાઇરલ થયો છે. જેને લઇને ભારે ચર્ચા જાગી છે. જો કે આ પત્ર સાચો છે કે ખોટો તેમજ ખરેખર પ્રધાનમંત્રી સુધી પહોંચ્યો છે કે નહીં તે તપાસનો વિષય છે.
આ પત્રમાં પાટીદાર અનામત આંદોલનો, પાટીદાર સમાજ પર પોલીસે ગુજારેલા દમન, દમનમાં પાટીદાર યુવાનોના મોત અને દમનના વિરોધમાં ભાજપ સરકાર દ્રારા કોઇ પણ કાર્યવાહી ન કરવા જેવી બાબતોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌથી મહત્વની બાબત મુખ્યમંત્રીની પસંદગી વિશે પણ આ પત્રમાં ટકોર કરવામાં આવી છે.
જે અંતર્ગત આ પત્રમાં લખવામાં આવ્યુ છે કે, ભાજપની જીત બાદ મુખ્યપ્રધાન તરીકે પાટીદાર નેતાને પસંદ કરવામાં આવે. જો તેમની માંગ સંતોષવામાં નહિ આવે તો આગામી 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરોધી મતદાન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ત્યારે જો આવો પત્ર ખરેખર સાચો હોય તો આ પત્રને લઇને ભાજપ સરકારની મુશ્કેલીઓ વધી શકેછે.