લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ તેના અપકમિંગ આઈપીઓમાં ભાગ લેવા માટે તમામ પોલિસી હોલ્ડર્સને પાન કાર્ડની માહિતી 28 ફેબ્રુઆરી સુધી અપડેટ કરવા નિર્દેશ કર્યો છે. 13 ફેબ્રુઆરીએ ફાઈલ કરેલા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ મુજબ, સરકાર એલઆઈસીનો પાંચ ટકા (રૂ. 10ની મૂળકિંમત ધરાવતા 31.6 કરોડ ઈક્વિટી શેર્સ) હિસ્સો વેચી અંદાજિત રૂ. 63 હજાર કરોડનું ફંડ આઈપીઓ દ્વારા એકત્ર કરશે. માર્ચમાં આઈપીઓ યોજાય તેવી વકી છે.કંપનીના કર્મચારીઓ, પોલિસી હોલ્ડર્સને ઈશ્યૂ પ્રાઈસમાં ડિસ્કાઉન્ટ મળશે. આઈપીઓમાં ભાગ લેવા પોલિસી હોલ્ડરે તેના પાન કાર્ડની માહિતી પોલિસી રેકોર્ડમાં અપડેટ કરવી પડશે. ડ્રાફ્ટ ફાઈલિંગની તારીખથી બે સપ્તાહ સુધીમાં પાન કાર્ડની વિગતો અપડેટ ન કરનાર પોલિસી હોલ્ડર આઈપીઓ માટે માન્ય ગણાશે નહીં.પાન કાર્ડની વિગતો એલઆઈસીની વેબસાઈટ પર સીધી અથવા તો એજન્ટની મદદથી અપડેટ કરી શકાશે. કુલ ઓફર સાઈઝના 10 ટકા હિસ્સો પોલિસી હોલ્ડર્સ માટે અનામત રહેશે.પોલિસી ધરાવતા NRI અનામત શેર્સ અંતર્ગત IPO અરજી કરી શકશે નહીં.
