મુસાફરોને મળશે હાઇ-સ્પીડ કનેક્ટિવિટી અને પ્રવાસન સ્થળોને ફાયદો
મહારાષ્ટ્રમાં આજે બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી છે. આ ટ્રેન નાંદેડ અને મુંબઈ વચ્ચે દોડશે, જે પ્રવાસીઓ, યાત્રાળુઓ અને સામાન્ય મુસાફરો માટે વિશ્વ કક્ષાની સુવિધા પૂરી પાડશે. આ ટ્રેનનું ઉદ્ઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ નવી વંદે ભારત એક્સપ્રેસ ખાસ કરીને શીખ ધર્મના યાત્રાળુઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે શીખ ધર્મના પાંચ તખ્તોમાંથી એક, હઝુર સાહિબ, નાંદેડ સુધીની યાત્રાને સરળ બનાવશે. આ ટ્રેન શરૂ થવાથી શીખ સમુદાયની લાંબા સમયથી ચાલી આવતી માંગ પૂરી થઈ છે, જેને મહારાષ્ટ્ર શીખ એસોસિએશન દ્વારા સમર્થન મળ્યું હતું.
વંદે ભારત એક્સપ્રેસનું સંપૂર્ણ સમયપત્રક અને રૂટ
ઉદ્ઘાટન બાદ આ વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 02705) તેની નિયમિત સેવા બુધવાર, 27 ઓગસ્ટ 2025થી શરૂ કરશે.
- નિયમિત સમયપત્રક:
ટ્રેન નંબર 20705 નાંદેડથી સવારે 5:00 વાગ્યે ઉપડશે અને બપોરે 2:25 વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પહોંચશે.
પરત ફરતી વખતે, ટ્રેન નંબર 20706 મુંબઈ CSMT થી બપોરે 1:10 વાગ્યે ઉપડશે અને રાત્રે 10:50 વાગ્યે નાંદેડ પહોંચશે.
- રૂટ અને સ્ટેશન:આ ટ્રેન તેના માર્ગમાં પરભણી, જાલના, ઔરંગાબાદ, મનમાડ, નાસિક રોડ, કલ્યાણ, થાણે અને દાદર જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાશે.
- સેવાના દિવસો:
આ વંદે ભારત એક્સપ્રેસ અઠવાડિયામાં છ દિવસ દોડશે. તે બુધવારે નાંદેડથી અને ગુરુવારે મુંબઈથી નહીં ચાલે.
આ નવી વંદે ભારત ટ્રેન સેવા મહારાષ્ટ્રના પ્રવાસીઓને સમયસર અને આરામદાયક મુસાફરીનો અનુભવ કરાવશે, જેનાથી પ્રવાસન અને આર્થિક ગતિવિધિઓને પણ વેગ મળશે.