નાતજાત અને ધર્મ ભેદ વિના સૌને સહાયઃ પારદર્શક-સીધી સહાયનો રાજ્ય સરકારનો એકમાત્ર અભિગમ
ભરૂચમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો પૂર્ણેશ મોદીની અધ્યક્ષતામાં યોજાયો.
જિલ્લાના 6317 લાભાર્થીઓને રૂ. 20 કરોડની સાધન સહાય અપાઈ.
સ્વાસ્થ્ય ચકાસણી માટેની 26 RBSK વાનોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવાયુ.
ગુજરાતમાં 11 તબક્કામાં 1530 ગરીબ કલ્યાણ મેળામાં 1.47 કરોડ ગરીબોને રૂ. 26000 કરોડની સાધન સહાય….
ભરૂચ જિલ્લાકક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં માર્ગ અને મકાન અને જિલ્લાના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલના હસ્તે 6317 લાભાર્થીઓને રૂ. 20 કરોડની સાધન સહાય અર્પણ કરાઈ હતી. ઉપરાંત મંત્રીએ 0 થી 19 વર્ષની વયના બાળકો-કિશોરોની સ્વાસ્થ્ય ચકાસણી માટે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગને 26 RBSK ફાળવણી પૈકી પ્રતિકરૂપે 4 વાનોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
ભરૂચની કે. જે. પોલિટેકનીક કોલેજના પ્રાંગણમાં આયોજિત કાર્યક્રમમાં મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, ગરીબો આર્થિક રીતે પગભર બની શકે તેવાં આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને PM નરેન્દ્ર મોદીએ જરૂરતમંદ લોકોને પ્રત્યક્ષ અને હાથોહાથ સહાય આપવાના પ્રેરક અભિગમથી ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી. જે પરંપરાને રાજ્ય સરકારે જાળવી રાખી છે.
વર્ષ 2009 થી ગરીબ કલ્યાણ મેળા થકી લાખો ગરીબોના જીવનમાં આમૂલ અને સુખમય પરિવર્તન લાવી શકાયું છે. વચેટીયા પ્રથા નાબૂદ કરીને સ્થાનિક પ્રશાસનની મદદથી શોધી-શોધીને લાખો લાભાર્થીઓને એક જ સમયે, એક જ સ્થળે સીધો તેમના હાથમાં જ લાભ આપવામાં આવે છે. રાજ્ય સરકારે આજ સુધી 11 તબક્કામાં યોજાયેલા 1530 ગરીબ કલ્યાણ મેળાઓમાં રાજ્યના 1.47 કરોડ લાભાર્થીઓને રૂ. 26000 કરોડથી વધુની સાધનસહાયથી લાભાન્વિત કર્યા છે. નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલે જણાવ્યું હતું કે, તમારૂં છે અને તમને આપવાનું છે આ સંકલ્પ સેવીને સરકારે પ્રશાસનને સંવેદનશીલ બનાવીને સહાયનો હાથ પ્રજા સુધી, જરૂરિયાતમંદો સુધી લંબાવ્યો છે.
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના વિવિધ કલ્યાણકારી યોજનાઓમાં ભરૂચ જિલ્લાના 6370 લાભાર્થીઓમાં 4000 મહિલા લાભાર્થીઓ સામેલ છે, જે મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ છે એમ જણાવી લાભાર્થીઓ માટે આ સાધન સહાય પરિવારનું જીવનધોરણ ઊંચું લાવવામાં સહાયભૂત થશે એવી આશા વ્યક્ત કરી હતી.
ગરીબ કલ્યાણ મેળામાં DDO યોગેશ ચૌધરી, SP રાજેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય ઈશ્વર પટેલ, અરૂણસિંહ રણા, પાલિકાના પ્રમુખ અમિત ચાવડા, વિનય વસાવા, નિવાસી અધિક કલેક્ટર જે.ડી.પટેલ, મારૂતિસિંહ અટોદરિયા, પ્રાયોજના વહીવટદાર જે.પી.અસારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સી. વી. લતા સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.