હવે CRS Portal પર જન્મ-મરણ નોંધણી ફરજિયાત, અરજદાર પોતે જ સર્ટિફિકેટ કરી શકશે ડાઉનલોડ
ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમના અમલીકરણ માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને સજ્જ કરવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં સિવીલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (CRS Portal) હેઠળ જન્મ-મરણ નોંધણી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે જિલ્લાના અધિકારીઓ અને કર્મચારીઓને માટે એક દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
હવેથી દરેક નાગરિકે ગુજરાત રાજ્યમાં જન્મ-મરણ નોંધણી ઇ-ઓળખ એપમાંથી ભારત સરકારના સીઆરએસ પોર્ટલ એટલે કે સિવિલ રજીસ્ટ્રેશન સિસ્ટમ પર ઓનલાઈન નોંધણી કરવી પડશે. તા. ૩૧/૦૫/૨૦૨૫ના રોજ ગુજરાત સરકારના આરોગ્ય મંત્રીશના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં સીઆરએસ પોર્ટલનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. તેના દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં થતી નોંધણીઓ ઓનલાઈન થવા લાગી છે અને બાળકના જન્મ પ્રમાણપત્ર સાથે હોસ્પિટલ દ્વારા જ ડીસ્ચાર્જ સર્ટિફિકેટ આ પોર્ટલ પર અપલોડ કરાશે.
આ પોર્ટલથી નોંધણી પ્રક્રિયા વધુ ચુસ્ત અને ભૂલરહિત બનશે. અરજદાર પોતે જ મોબાઈલ દ્વારા દાખલ કરેલ માહિતીનું રજીસ્ટ્રેશન જોઈ શકશે. જો કોઈ ભૂલ હશે તો ૨૪ કલાકની અંદર અરજદારને જાણ કરી શકશે. આ જન્મ-મરણની નોંધણી પ્રક્રિયા પૂરી થયા બાદ અરજદાર પોતે જ પોર્ટલ પરથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. જેનાથી સમય અને શ્રમ એમ બંનેની બચત થશે