ગુજરાતમાં સતત છઠ્ઠી વખત બહુમતી મેળવનાર ભારતીય જનતા પાર્ટીની સરકારની શપથ વિધિ આજે હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને રાજ્યોના મુખ્યમંત્રીઓ કેન્દ્રીય મંત્રીઓ સહિત ટોચના ઉદ્યોગપતિઓ, સાધુ-સંતો વગેરેની હાજરીમાં યોજાયેલ છે. જેમાં મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત 8 કેબીનેટ મંત્રીઓ અને 10 રાજ્ય કક્ષાના મંત્રીઓ સહિત કુલ 20 મંત્રીઓના મંડળની શપથવિધિ થઇ રહી છે. રાજ્યપાલ ઓ.પી. કોહલી શપથ લેવડાવી રહ્યા છે. પ્રથમવખત ચૂંટાયેલા એક પણ સભ્યને મંત્રી પદ અપાયુ નથી. કુલ 27 સભ્યોના મંત્રી મંડળની ક્ષમતા સામે 20 સભ્યોનું મંત્રીમંડળ બનાવી 7 સભ્યોની જગ્યા રાખવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે અથવા પછી વિસ્તરણ કરવામાં આવે તેવી સંભાવના છે. નવા મંત્રીઓને આજે સાંજે કેબીનેટ બેઠક બાદ ખાતા ફાળવણી કરવામાં આવશે.
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત જે 8 સભ્યોને કેબીનેટ મંત્રી તરીકે સ્થાન અપાયુ છે તેમા ભુપેન્દ્ર સિંહ ચુડાસમાં આર.સી. ફળદુ, કૌશિક પટેલ, સૌરભ પટેલ, ગણપત વસાવા, જયેશ રાદડિયા, દિલિપ કુમાર ઠાકોર અને ઇશ્વરભાઇ પરમારનો સમાવેશ થાય છે. જ્યારે પ્રદિપસિંહ જાડેજા, પરબતભાઇ પટેલ, જયદ્રથસિંહ પરમાર, રમણભાઇ પાટકર, પરસોતમ સોલંકી, ઇશ્વરસિંહ પટેલ, વાસણભાઇ આહિર, કિશોર કાનાણી, બચુભાઇ ખાબડ અને શ્રીમતી વિભાવરીબેન દવે તે 10 સભ્યોને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાયા છે.