રાજ્યમાં આગામી વિધાનસભાની ચુંટણીઓની અંદરખાને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને બજેટસત્રમાં પણ જનતાનું હિત ધ્યાને રાખી સરકાર આગળ વધી રહી છે ત્યારે દ. ગુજરાત માં આદિવાસી મતદારો ઉપર પ્રભુત્વ ધરાવતા વલસાડ જિલ્લાના ધરમપુર માં સરકાર વિરુદ્ધ જે જુવાળ જોવા મળ્યો તે જોઈ રાજકીય પંડિતો આ વાત ભાજપ માટે રેડ સિગ્નલના રૂપમાં જોઈ રહયા છે,કારણ કે આદિવાસી સમાજ જે એકવાર નક્કી કરે તેનું પરિણામ સમાજમાં સર્વવ્યાપી બની જાય છે, જે વાત આગામી ચુંટણીઓ દરમ્યાન ભાજપને ખાસ્સું નુકશાન કરી શકે છે.
વલસાડ જિલ્લાના ધરમપુરમાં આદિવાસી સમાજ અને આદિવાસી સંગઠનો દ્વારા સરકારના સૂચિત રિવર લિંક પ્રોજેક્ટના વિરોધ થઈ રહ્યો છે,
સરકાર આ પ્રોજેક્ટ આદિવાસી સમાજની નારાજગી છતાં પણ અમલમાં મૂકશે તો તેના ગંભીર પરિણામો આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે,ગયા સોમવારે અહીં જે રેલી અને સભા થઈ તેમાં અંદાજે 20,000 કરતા પણ વધુ આદિવાસી સમાજના લોકોનીજંગી હાજરી ઘણુંબધું કહી જાય છે.
વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ, દાદરા નગર હવેલીના પૂર્વ સાંસદ મોહન ડેલકરના પુત્ર અને શિવસેનાના પ્રદેશ પ્રમુખ અભિનવ ડેલકર અને વલસાડ જિલ્લા સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ આદિવાસીઓને એક થવા હાકલ કરતા હવે ભાજપ માટે આ વાત ચુંટણીઓ દરમ્યાન ભારે પડી શકે તેમ છે.
આદિવાસી સમાજના આગેવાનો એ પ્રાંતમાં જે રજૂઆતો છે તેમાં સૂચિત ડેમ પ્રોજેકટને લઈ હજ્જારો આદિવાસીઓને વિસ્થાપિત થવાનો ભય ટોળાઈ રહ્યો છે અને આ માટે ઉગ્ર આંદોલનની ચીમકી અપાઈ છે ત્યારે આ પ્રોજેકટને લઈ ભાજપને ચુંટણીઓ દરમિયાન અહીંના આદિવાસી સમાજના મતદારોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે.
આ રેલી અને સભામાં બીજી મહત્વની વાત એ છે કે યુવા આદિવાસીનેતા અભિનવ ડેલકરનું સંઘ પ્રદેશ અને આદિવાસી સમાજમાં ખુબજ પ્રભુત્વ છે,આદિવાસી સમાજમાં મોટું નામ ધરાવતા મોહનભાઇ ડેલકરના સુસાઇડ કેસ અને ત્યારબાદ ભાજપના નેતાનું નામ અને તપાસ મુદ્દે જે પણ થયું તે બધાની સામે છે આવા સમયે તેઓ શિવસેનાને સમર્થન કરી રહયા છે જેઓની હાજરી પણ ચિત્ર બદલવામાં મોટો ભાગ ભજવી શકે છે ત્યારે આવા સમયે સરકારના પ્રોજેકટનો મુદ્દો હવે ભાજપ કઈ રીતે હેન્ડલ કરે છે તે જોવું રહ્યું અન્યથા અહીં ભાજપની રાજકીય કારકિર્દી સામે જોખમ ઉભું થઈ રહયા નું ચિત્ર ઉપસ્થિત જંગી જનમેદની એ બતાવી દીધું છે. –ગુલઝારખાન દ્વારા