હાયપરસોનિક મિસાઈલ ‘કિંજલ’ (Kinzhal Hypersonic Missiles) અવાજની ગતિ કરતા 10 ગણી વધુ ઝડપે કોઈપણ હવાઈ સંરક્ષણ પ્રણાલીને હરાવવા સક્ષમ છે, જેનો ઉપયોગ પ્રથમ વખત યુક્રેન સામે રશિયાના યુદ્ધ (Ukraine-Russia War)માં કરવામાં આવ્યો છે. રશિયાનું કહેવું છે કે તેણે પશ્ચિમ યુક્રેનમાં હથિયારોના ભંડારને નષ્ટ કરવા માટે મિસાઈલનો ઉપયોગ કર્યો હતો.
રશિયાએ ફરી એક વખત શાળાની ઈમારતને ટાર્ગેટ કરી છે. યુક્રેને કરેલા દાવા પ્રમાણે રશિયાએ રવિવારે મારિયુપોલ શહેરની એક આર્ટ વિદ્યાલય પર બોમ્બમારો કર્યો હતો. યુદ્ધના કારણે આશરે 400 લોકોએ આ શાળામાં શરણ લીધેલું હતું અને હુમલા બાદ તે કોઈની ભાળ નથી મળી રહી. એક અંદાજ પ્રમાણે તે સૌ લોકો કાટમાળ નીચે દટાઈ ગયા છે અને તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કિંજલ હાઈપરસોનિક મિસાઈલને એક આદર્શ હથિયાર ગણાવ્યું છે. ઓછી ઉંચાઈ પર ખૂબ જ વધુ ઝડપે ઉડાન ભરવાના કારણે આ મિસાઈલ કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમને ભેદવાની ક્ષમતા ધરાવે છે.
યુક્રેને કરેલા દાવા પ્રમાણે રવિવારે રૂબિજન અને સેવેરોડનેત્સ્ક ખાતે રશિયાએ જોરદાર બોમ્બમારો કર્યો હતો. છેલ્લા 24 કલાકમાં રશિયન એરસ્ટ્રાઈકમાં 24 ઘર અને એપાર્ટમેન્ટ તબાહ થયા. બિલ્ડિંગ ધરાશયી થવાના કારણે 7 લોકો કાટમાળમાં દટાયા જેમાંથી 2 બાળકો સહિત 3ના મોત થઈ ગયા.