ગણેશ ચતુર્થીને ‘કલંક ચતુર્થી’ અને ‘પથ્થર ચોથ’ કેમ કહેવાય છે? જાણો તેની પૌરાણિક કથા અને ઉપાયો
ભાદ્રપદ શુક્લ ચતુર્થીની તિથિ ભગવાન ગણેશના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે, જેને ગણેશ ચતુર્થી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસને ‘કલંક ચતુર્થી’ અને ‘પથ્થર ચોથ’ પણ કહેવામાં આવે છે. આ નામ પાછળ એક પૌરાણિક માન્યતા જોડાયેલી છે, જે મુજબ આ દિવસે ચંદ્રના દર્શન કરવા અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ આ દિવસે ચંદ્રને જુએ તો તેના પર ખોટા આરોપો લાગે છે અને તેને બદનામીનો સામનો કરવો પડે છે.
પથ્થર ચોથ અને કલંક ચતુર્થી પાછળની કથા
એક દંતકથા અનુસાર, એકવાર ભગવાન ગણેશ તેમની પ્રિય મીઠાઈ ખાઈ રહ્યા હતા. તે સમયે ચંદ્રદેવ આકાશમાંથી પસાર થઈ રહ્યા હતા અને ગણેશજીના મોટા પેટ અને હાથીના મસ્તક જેવા ચહેરાને જોઈને હસવા લાગ્યા અને તેમની મજાક ઉડાવી. ચંદ્રદેવના અહંકારથી ક્રોધિત થઈને ગણેશજીએ તેમને શ્રાપ આપ્યો કે તેમનું સ્વરૂપ નાશ પામશે અને તેમની કળાઓ ઓછી થઈ જશે. સાથે જ તેમણે એવો શ્રાપ પણ આપ્યો કે જે કોઈ આ દિવસે ચંદ્રને જોશે તે વ્યક્તિ કલંકિત થશે અને તેના પર ખોટા આરોપો લાગશે.
પોતાની ભૂલનો અહેસાસ થતાં ચંદ્રદેવે ગણેશજીની વિધિવત પૂજા અને તપસ્યા કરીને માફી માંગી. ચંદ્રદેવની ભક્તિથી પ્રસન્ન થઈને ગણેશજીએ તેમને આપેલ શ્રાપ સંપૂર્ણપણે પાછો ખેંચ્યો નહીં, પરંતુ તેને મર્યાદિત કર્યો. ગણેશજીએ કહ્યું કે આ કલંક માત્ર ભાદ્રપદ માસની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસે જ લાગશે. આ ઘટના તે દિવસે બની હોવાથી આ તિથિને ‘કલંક ચતુર્થી’ તરીકે ઓળખવામાં આવે છે.
ચંદ્ર દર્શનના દોષથી બચવાના ઉપાયો
માન્યતા અનુસાર, જો કોઈ વ્યક્તિ ગણેશ ચતુર્થીના દિવસે અજાણતાં ચંદ્રના દર્શન કરી લે, તો આ દોષથી બળવા માટે એક ઉપાય પ્રચલિત છે. આ વ્યક્તિએ બીજાના ધાબા પર 5 પથ્થરો ફેંકવાના હોય છે. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ચંદ્ર દર્શનનો દોષ દૂર થાય છે અને વ્યક્તિ ખોટા આરોપોથી બચી જાય છે. આ કારણે આ દિવસને ‘પથ્થર ચોથ’ પણ કહેવામાં આવે છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી પૌરાણિક માન્યતાઓ અને લોકકથાઓ પર આધારિત છે. આ માહિતીની સચોટતાનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. કોઈપણ માન્યતા કે ઉપાય અપનાવતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.