બાબા રામદેવની કંપનીના આ શેરમાં મોટી હલચલ, એક જ ઝાટકે 17 ટકા તુટ્યો
બાબા રામદેવની આગેવાની હેઠળની રૂચી સોયાનો FPO 24 માર્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. કંપનીએ રવિવારે FPO માટે પ્રાઇસ બેન્ડ નક્કી કરી હતી. આ પછી સોમવારે શરૂઆતી ટ્રેડિંગમાં કંપનીના શેર ખરાબ રીતે તૂટ્યા હતા.
સોમવારે શરૂઆતના વેપારમાં રૂચી સોયાના શેરમાં 17 ટકા સુધીનો ઘટાડો થયો હતો. કંપનીએ એફપીઓની પ્રાઇસ બેન્ડ નક્કી કર્યા બાદ કંપનીના શેરમાં આટલો મોટો ઘટાડો નોંધાયો હતો.
કંપનીએ આગામી ફોલો-ઓન ઓફર (રુચી સોયા ફોલો-ઓન પબ્લિક ઑફર) માટે શેર દીઠ રૂ. 615-650ની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. ગુરુવારે BSE પર કંપનીનો શેર રૂ. 1,004.45 પર બંધ થયો હતો. સોમવારે શરૂઆતના વેપારમાં કંપનીનો શેર 17.27 ટકાના ઘટાડા સાથે રૂ. 831 પર ખૂલ્યો હતો. જોકે બાદમાં તેમાં થોડો સુધારો જોવા મળ્યો હતો. સવારે 09:41 વાગ્યે, BSE પર રૂચી સોયાના શેરની કિંમત 11.53 ટકા ઘટીને રૂ. 888.60ના સ્તરે હતી.
એક વર્ષમાં સ્ટોક 33.59 ટકા વધ્યો છે
આ વર્ષથી સ્ટોકમાં 4.13 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. તે જ સમયે, આ સ્ટોક એક વર્ષમાં 33.59 ટકા વધ્યો છે.
કંપનીનું માર્કેટ કેપ ઘટ્યું
શેરના ઘટાડાને કારણે BSE પર કંપનીનું માર્કેટ કેપ ઘટીને રૂ. 26,235 કરોડ થયું હતું. 9 જૂન, 2021ના રોજ શેર રૂ. 1,377 સુધી વધી ગયો હતો. આ સ્ટૉકની આ 52 સપ્તાહની ઊંચી સપાટી છે. બીજી તરફ, 22 એપ્રિલ, 2021ના રોજ, આ સ્ટોક તૂટીને રૂ. 619 પર પહોંચી ગયો હતો. આ સ્ટૉકનો આ 52 સપ્તાહનો નીચો સ્તર છે.
FPO વિશે જાણો
કંપની આ ફોલો-ઓન પબ્લિક ઓફર દ્વારા રૂ. 4,300 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. આ FPO 24 માર્ચે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. તેમાં સબ્સ્ક્રાઇબ કરવાની છેલ્લી તારીખ માર્ચ 28, 2022 છે.
રુચિ સોયાના પ્રમોટર્સ FPO દ્વારા તેમનો હિસ્સો ઘટાડશે. સેબીના નિયમો મુજબ આ કરવું જરૂરી છે. કંપનીને ઓગસ્ટમાં FPO માટે માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મળી હતી. કંપનીએ જૂન 2021માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) સબમિટ કર્યો હતો.
રૂચી સોયાને પતંજલિ દ્વારા 2019માં હસ્તગત કરવામાં આવી હતી
પતંજલિએ 2019માં રૂચી સોયાને હસ્તગત કરી હતી. કંપનીએ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ આ કંપનીને નાદારી પ્રક્રિયા દ્વારા હસ્તગત કરી હતી. કંપની મહાકોશ, સનરિચ, રુચિ ગોલ્ડ અને ન્યુટ્રેલા બ્રાન્ડ નામો હેઠળ તેના ઉત્પાદનોનું વેચાણ કરે છે.