કોરોનાવાઈરસ ચેપી બીમારીના કેસ દેશમાં ઘટી ગયા છે અને હવાઈ મુસાફરોની સંખ્યા વધી ગઈ છે તેથી દેશની એવિએશન ક્ષેત્રની નિયામક સંસ્થા ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ નક્કી કર્યું છે કે તે તાત્કાલિક રીતે અમલમાં આવે એ રીતે કોકપિટ (પાઈલટ્સ) તથા કેબિન ક્રૂ માટે પ્રી-ફ્લાઈટ બ્રેથલાઈઝર (BA) પરીક્ષણ (આલ્કોહોલ ટેસ્ટ) કરવા માટે પોતાના વર્તમાન નિયમોમાં ફેરફાર કરશે. નવા નિયમો અનુસાર, ફ્લાઈટ શરૂ કરાય એ પહેલાં 50 ટકા પાઈલટો અને કેબિન ક્રૂ સભ્યોની ઓચિંતી પ્રી-ફ્લાઈટ આલ્કોહોલ ટેસ્ટ લેવામાં આવશે. અત્યાર સુધી આ નિયમ 25 ટકા પાઈલટો અને કેબિન ક્રૂ સભ્યોનો હતો.
ડીજીસીએ ડાયરેક્ટર જનરલ અરૂણ કુમારે કહ્યું છે કે અમે પરિસ્થિતિ પૂર્વવત્ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ અને વિમાન ઉડ્ડયનની કામગીરી સુરક્ષિત બની રહે એ માટે નિયમોને ફરી કડક બનાવી રહ્યાં છીએ. કોકપિટ અને કેબિન ક્રૂ સભ્યોનાં 50 ટકા લોકોની ઓચિંતી પ્રી-ફ્લાઈટ BA ટેસ્ટ લેવાશે જ્યારે ગ્રાઉન્ડ હેન્ડલર્સ, એર ટ્રાફિક કન્ટ્રોલર્સ તથા અન્ય એરપોર્ટ કર્મચારીગણમાં 10 ટકા સભ્યોને નવા ટેસ્ટ-નિયમમાં આવરી લેવામાં આવશે.