આસામમાં સર્વાનંદ સોનોવાલના નેતૃત્વ હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકારે રાજયમાં ઘરડા લોકોની દેખભાળ માટે એક મહત્વનો ખરડો પાસ કર્યો છે. અને તે હવે કાયદો બની ગયો છે. આ કાયદો રાજયના સરકારી કર્મચારીઓને લાગુ પડે છે. અને ઘરડા માતા-પિતા કે આશ્રિત દિવ્યાંગ ભાઈ-બહેનનાં ભરણપોષણની જવાબદારી ઉઠાવવાનું એમને માટે ફરજિયાત બની ગયું છે. આ કાયદા અનુસાર, જો કોઈ પણ રાજય સરકારી કર્મચારી તેના ઘરડા માતા-પિતા કે દિવ્યાંગ ભાઈ-બહેનની જવાબદારી લેવામાંથી છટકશે તો એની વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આવશે. આસામનો જે કોઈ સરકારી કર્મચારી એના માતા-પિતા કે દિવ્યાંગ ભાઈ-બહેનની દેખભાળ નહીં કરે તો એના પગારમાંથી ૧૦-૧૫ ટકા રકમ કાપી લેવામાં આવશે. તે કાપી લેવામાં આવેલી રકમ તે કર્મચારીનાં માતા-પિતા કે દિવ્યાંગ ભાઈ-બહેનને આપી દેવામાં આવશે. આ કાયદાને PRANAM નામ આપવામાં આવ્યું છે, એટલે કે પેરેન્ટ રીસ્પોન્સિબિલિટી એન્ડ નોર્મ્સ ફોર એકાઉન્ટેબિલિટી એન્ડ મોનિટરિંગ એકટ. આ પ્રકારનો કાયદો ઘડનાર આસામ ભારતનું પહેલું જ રાજય બન્યું છે. આ કાયદાને રાજયપાલની મંજૂરી મળશે એ પછી એને રાજયભરમાં લાગુ કરવામાં આવશે. ધારો કે કોઈ સરકારી કર્મચારી કાર્યવાહીમાં દોષી ઠરશે તો એના પગારમાંથી પૈસા કાપી લેવામાં આવશે. જોકે એ માટે કર્મચારીના માતા-પિતા કે દિવ્યાંગ ભાઈ-બહેને એની વિરુદ્ઘ સરકારી વિભાગમાં ફરિયાદ નોંધાવવાની રહેશે. એ ફરિયાદની અરજી મળ્યાના ૯૦ દિવસની અંદર એમને રકમ ઉપલબ્ધ કરાવાશે. આ કાયદા હેઠળ ભવિષ્યમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને તેમજ રાજયના સંસદસભ્યો, વિધાનસભ્યોને પણ આવરી લેવામાં આવશે. આ કાયદા અંતર્ગત રાજય સરકારનો જે કોઈ કર્મચારી પોતાનાં માતા-પિતાની જવાબદારી ઉઠાવતો નહીં હોય તો સરકાર એનાં પગારમાંથી ૧૦ ટકા રકમ કાપવાનું શરૂ કરી દેશે. એ કાપેલી રકમ તે કર્મચારીનાં માતા-પિતાને એમનાં ભરણપોષણ માટે એમના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. તે ઉપરાંત જો કોઈ કર્મચારીનો ભાઈ કે બહેન દિવ્યાંગ હશે તો એ કર્મચારીના પગારમાંથી પાંચ ટકા રકમ કાપીને એનાં ભાઈ-બહેનને આપી દેવામાં આવશે. આ ખરડો રજૂ કરનાર છે આસામ સરકારના નાણાં પ્રધાન હેમંત વિશ્વશર્મા. એમનું કહેવું છે કે રાજયમાં છેલ્લા અનેક વર્ષોથી જોવા મળ્યું છે કે સારી સરકારી નોકરી મેળવનાર કર્મચારીઓ એમનાં માતા-પિતાને વૃદ્ઘાશ્રમમાં મોકલી દે છે, જેથી એમની દેખભાળ કરવી ન પડે. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે આ કાયદો ઘડ્યો છે. ખરડાને ૧૨૬-સભ્યોની વિધાનસભામાં સર્વસંમતિથી પાસ કરી દેવામાં આવ્યો છે. ભારતમાં કોઈ રાજયએ આવો કાયદો ઘડ્યો હોય એવો આ પહેલો જ પ્રસંગ છે. આસામે ઈતિહાસ સજર્યો છે. જોકે આસામના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને વિપક્ષ કોંગ્રેસના નેતા તરુણ ગોગોઈએ આ કાયદાને અસમ સમાજ માટે અપમાન સમાન ગણાવ્યો છે. એમણે કહ્યું આ કાયદો આસામના સમાજને ખરાબ રીતે ચિતરે છે. ભાજપની સરકાર આવું કરીને એવું બતાવવા માગે છે કે આસામવાસીઓ નિષ્ઠુર છે અને એમના માતા-પિતાની કાળજી લેતા નથી. બંગાળ સહિત દેશનાં બીજા ઘણા રાજયોમાં માતા-પિતાની અવગણના કરવા બદલ સંતાન સામે ક્રિમિનલ પ્રોસીજર કોડની જોગવાઈઓ અંતર્ગત તેમજ ૨૦૦૭માં ઘડવામાં આવેલા માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખભાળ અને સુખાકારીના કાયદા અંતર્ગત પગલાં લેવામાં આવે છે. ક્રિમિનલ કોડમાં, માતા-પિતાને ભરણપોષણની રકમ ચૂકવવાનો આરોપીને આદેશ આપવાની મેજિસ્ટ્રેટોને સત્તા આપવામાં આવી છે, પરંતુ કોઈ રાજયમાં કર્મચારીના પગારમાંથી અમુક રકમ કાપી લેવાની પદ્ધતિ નથી.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.