સોમવારે પુણેની પાસે ભીમા-કોંરેગાંવ યુદ્ધની 200મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે હિંસા થતા એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યારપછી મુંબઈ, પુણે, ઔરંગાબાદ, અહમદનગર જેવા 18 શહેરો સુધી આ હિંસા ફેલાઈ ગઈ હતી. બુધવારે સવારે ભારિપ, બહુજન મહાસંઘ, મહારાષ્ટ્ર ડેમોક્રેટિક ફ્રંટ, મહારાષ્ટ્ર લેફ્ટ ફ્રંટ સહિત 250થી વધારે દલિત સંગઠનોએ બુધવારે મહારાષ્ટ્ર બંધની જાહેરાત કરી છે. બંધના પગલે મહારાષ્ટ્રને અડીને આવેલા વલસાડમાં પણ તેની અસર વર્તાઇ છે. અને સાવચેતીના ભાગ રૂપે વલસાડ એસટી ડીવિઝને મહારાષ્ટ્ર તરફ જતી ૧૦થી ૧૨ રૂટની બસ કેન્સલ કરી દીધી છે.
વલસાડમા વલસાડ અને વાપી બસ સ્ટેશનથી મહારાષ્ટ્રમા નાસીક, ઓરંગાબાદ, ધુલીયા, બોરીવલીની રેગ્યુલર ટ્રીપ રદ કરી તેમને લોકોલમામ ચલાવવાની ફરજ પડી છે. તેવું વાપી ડીવીઝનના ડેપો મેનેજરે જણાવ્યું હતુ તો આ વિસ્તારના હજારો મુસાફરો બસ રદ્દ થતા અટવાયા હતા અથવા તો એક દિવસ મહારાષ્ટ્રમા નહી જવાનું વિચારી પરત ફર્યા હતાં. હિંસાને પગલે આજે બંધના એલાનમાં ખાનગી વાહનચાલકોએ પણ ગુજરાતની હદમા જ પોતાના વાહનો થોભાવી દીધા છે. નાસીક, ઓરંગાબાદ તરફથી આવતા શાકભાજી ફળફળાદીની આવક પર પણ બંધની અસર વર્તાઇ હોવાનું વેપારીઓ માને છે.
જો કે મહારાષ્ટ્ર બંધની અસરમાં રેલ્વે વ્યવહાર બાકાત રખાયો છે. અને મહારાષ્ટ્રના મુંબઇ, પૂણે તરફથી ગુજરાતમાં આવતી અને જતી ટ્રેનો રાબેતા મુજબ ચાલુ રખાઇ હોવાનું વાપી રેલ્વે મેનેજરે જણાવ્યું છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ફાટી નિકળેલી હિંસામાં મોટા પ્રમાણમાં જાનમાલને નુકસાન કરવામાં આવ્યુ છે હાલ તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ત્યારે વિવિધ સંગઠનો દ્વારા બુધવારે મહારાષ્ટ્ર બંધના એલાનને પગલે તમામ બજારો, જાહેર સેવાઓને બંધ રખાઇ છે.