ગત સોમવારે પોરબંદરના માધવપુર ખાતે ‘ઘેડ મેળા’ ના પ્રારંભે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ વિશેષ ઉપસ્થિત રહેલા.
કાર્યક્રમમાં સીઆર પાટીલે પોતાના ભાષણમાં ભાંગરો વાટયો હતો, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ અને સુભદ્રાજીના ભાઈ બહેનના પવિત્ર સંબંધને ભાષણ દરમિયાન અનેક વાર પતિ-પત્ની તરીકે બોલીને અજ્ઞાનતા દર્શાવી હતી.
હવે આ સમગ્ર મામલે લાગણી, માન-સન્માનની સાથે સાથે રાજકારણે એક અલગ જ રૂપ ધારણ કર્યું છે.
સોમવારની વાત છે અને આજે બે દિવસ દરમિયાનમાં કૃષ્ણપ્રેમી ભક્તો અને ખાસ કરીને રાજ્યના વિવિધ આહીર સંગઠનો દ્વારા સીઆર પાટીલ સામે મોરચો માંડયો છે, અને હવે વાત જાહેરમાં માફી માંગવા સુધી પહોંચી છે, જો આમ નહિ થાય તો વિવિધ આહીર સંગઠનો ઉગ્ર વિરોધ નોંધાવશે તો નવાઈ નહી હોય… તેવું લાગી રહ્યું છે.
આ સમગ્ર મામલે તર્ક ત્યાં સુધી થાય છે કે એક સમયે જ્યારે મોરારિબાપુ દ્વારા ભગવાન કૃષ્ણ વિશે શાસ્ત્રના આધારે જ વાત કરવામાં આવેલી તેમ છતાં કેટલાક અજ્ઞાની તત્વો દ્વારા તેમની સાથે પણ અભદ્ર વ્યવહાર કરવામાં આવેલો, જ્યારે અહીંયા તો રાજકારણી છે, માટે રાજકારણ લાંબુ ખેંચાશે.
આ સમગ્ર મામલે એવી પણ શક્યતાઓ છે કે આ બહાને ભાજપને તેના જ ઘરમાં ઘેરાવામાં આવે.
હાલમાં ગુજરાતમાં ભાજપના સૌથી મોટા નેતા સીઆર પાટીલ જ છે, અને જો તેમને જ રાજકીય રીતે હિન્દુ સમાજમાં ચીતરવામાં આવે તો તેનો ફાયદો આવતી ચુંટણીમાં કોંગ્રેસ સહિત અન્ય પાર્ટીઓને થઈ શકે છે…
અહીં સભ્ય સમાજ તો માત્ર રાજકીય ઉઠા-પટક જોઈને જતો રહેશે, જ્યારે રાજકીય પાર્ટીઓ આ મુદ્દે પોત પોતાના હિતો માટે લાલચુ બની રહેશે.