ગઈકાલે દેશની સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલ પર થયેલ કેસમાં સજાના ચુકાદા પર સ્ટે આપ્યો હતો, જેથી હાર્દિક પટેલ માટે આગામી વિધાનસભાની ચૂંટણી લડવાની માટેનો માર્ગ મોકળો બન્યો છે.
એક પ્રાદેશિક ન્યૂઝ મીડિયા સાથે વાત કરતા હાર્દિક પટેલે જણાવ્યું હતુ કે ચુંટણી લડાવી એ મારો ઉદ્દેશ નથી, પણ લોકો વચ્ચે રોડ પર ઉતરીને કામો કરી શકીએ છીએ તો ચોક્કસ છે કે રાજ્યની વિધાનસભામાં બેસીને તેનાથી પણ વધારે કામો કરી શકીએ જ.
તો આ સાથે જ હાર્દિક પટેલના ટેકેદારો વચ્ચે આંતરિક ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેઓ કઈ સીટ પરથી આગામી ચુંટણી લડશે.
ચર્ચાઓ અનુસાર કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી ચાર બેઠકો પર આંતરિક સર્વે કરવામાં આવેલ, જેમાં હાર્દિક પટેલ અને કોંગ્રેસ પાર્ટી તરફનો ત્યાં કેવો માહોલ છે તે બાબતો પર અંદરખાને તપાસ કરવામાં આવેલ છે.
વધુ એક એવા પણ સમાચારો ફરતા થયા છે કે અમદાવાદની ઘાટલોડિયા સીટ પરથી હાર્દિક પટેલ ચુંટણી લડી શકે છે, 2015 માં જ્યારે પાટીદાર આંદોલન થયેલ તે સમયે ઘાટલોડિયા વિસ્તારમાં સૌથી વધારે પાટીદારોનું સમર્થન મળ્યું હતું, પાટીદાર સમાજના લોકો સંપૂર્ણ રીતે હાર્દિક પટેલ અને પાટીદાર આંદોલનના પક્ષમાં ઊભા રહીને સાથે જોડાયા હતાં.
ઘાટલોડિયા સીટની વાત કરવામાં આવે તો વર્ષ 2012 માં આનંદીબેન પટેલ આ સીટ પરથી વિજયી થયા હતાં, ઉપરાંત વર્ષ 2017 ની ચુંટણીમાં હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ વિજયી રહ્યા છે, જેથી અમદાવાદની ઘાટલોડિયા સીટ આમ પણ VIP સીટ ગણી શકાય. અને જો હાર્દિક પટેલ અહીથી ચુંટણી લડે તો ચોક્કસ રીતે ગુજરાતની સૌથી વધારે હોટ સીટ ઘાટલોડિયા બની જાય.
ઉપરાંત સૌપ્રથમ વાર ચુંટણી લડતા, અને એક પાટીદાર યુવા તરીકે હાર્દિક પટેલ જો આ સીટ પરથી ચુંટણી લડે તો તેનુું કદ પાર્ટીમાં ખૂબ મોટું થઈ જાય.