ગુજરાતના રાજકારણમાં જે પ્રમાણે છેલ્લા એક મહિનાથી ખળભળાટ થઈ રહ્યો છે તેના પરથી માની જ લઈએ કે આગામી વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ પુરજોશમાં શરૂ થઈ ગઈ છે.
છેલ્લા 27 વર્ષોથી સત્તાધારી ભાજપ પોતાના વિકાસના કામો અને સંગઠનના જોરે લોકો સમક્ષ જઈ રહી છે, જ્યારે વર્ષોથી સત્તા મેળવવા માટે તલપાપડ થતી કોંગ્રેસ પોતાનામાં જ લડતી હોય તેવા દ્રશ્યો હાલમાં દેખાઈ આવે છે.
આ બંને પાર્ટીઓ ઉપરાંત ગુજરાતની રાજનીતિમાં અત્યંત આત્મવિશ્વાસથી ઉભરતી આમ આદમી પાર્ટી હવે સીધી સત્તાધારી પાર્ટી ભાજપ સામે પડકારો ફેંકી રહી છે.
રાજકારણમાં સચોટ મુદ્દાઓ અને વ્યવસ્થા પરિવર્તનની વાતો કરતી આમ આદમી પાર્ટી જે રીતે સમગ્ર ગુજરાતમાં સક્રિય થઈ છે તે જોતાં તે ખરા અર્થમાં લડતમાં હોય તેવું દેખાઈ રહ્યું છે.
છેલ્લા કેટલાય દિવસોથી આપ પાર્ટી દ્વારા ગુજરાતમાં શિક્ષણને લઈ અનેક સવાલો દ્વારા કરીને સરકાર સામે મુશ્કેલીઓ ઊભી કરી છે.
આમ આદમી પાર્ટીનો અત્યાર સુધીનો સૌથી મોટો મુદ્દો શિક્ષણનો રહ્યો છે, પાર્ટીના કહેવા મુજબ દિલ્હીમાં જે રીતે આપની સરકારે શિક્ષણની સિસ્ટમમાં પરિવર્તન લાવ્યું છે, તેની સીધી સરખામણી ગુજરાતની શિક્ષણનીતિ સામે કરીને ગુજરાતના લોકો સામ મુદ્દો બનાવી રહી છે.
આપ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું છે કે, ગુજરાતમાં અત્યાર સુધી જ્ઞાતિ, ધર્મ જેવા મુદ્દાઓ પર ચુંટણીઓ લડતી આવી છે, પણ જ્યારથી આપ પાર્ટી સરકારને પડકારો ફેંકી રહી છે ત્યારથી ગુજરાતમાં પણ શિક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ રહી છે, જે એક રીતે સારી બાબત દર્શાવે છે.
આગામી 19 તારીખે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેઓ ગાંધીનગર ખાતે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં ગુજરાતના શિક્ષણ વિભાગમાં થયેલા કામોનું નિરીક્ષણ કરવાના છે, આ સમયે આમ આદમી પાર્ટી સરકારના પડકર રૂપે મોટાપાયે એક આયોજન કરી રહી છે.
પાર્ટી દ્વારા ગુજરાતની જાહેર જનતા સમક્ષ એક નંબર મૂકયો છે, જેના પર ગુજરાતના દૂર દૂરના લોકો પોતપોતાની નજીકની શાળાઓની ખરી હાલતના ફોટો મોકલશે, અને આ ફોટાઓ એકત્ર કરીને આપ પાર્ટી 19 તારીખે જ્યારે વડાપ્રધાન ગાંધીનગરમાં સરકારના શિક્ષણ વિભાગની મુલાકાત લેશે ત્યારે ગુજરાતની સરકારી શાળાઓની હાલતના ફોટાઓ મીડિયા અને સોશિયલ મીડિયા સમક્ષ મૂકશે.
ખરેખર જોઈએ તો ગુજરાતમાં અમુક પાયાના મુદ્દાઓમાં શિક્ષણનો મુદ્દો ખૂબ મોટો છે,
છેલ્લા અમુક વર્ષોમાં રાજ્યની પ્રાઇવેટ શાળાઓમાં જે રીતે ફી નું ધોરણ ઊંચું આવ્યું છે તેનાથી જનતા પોકાર કરી ઉઠી છે, તેની સામે રાજ્યના અમુક વિસ્તારોમાં સરકારી શાળાઓની હાલત ખરેખર અતિદયનીય સ્થિતિમાં છે, તેમ છતાં આ મુદ્દે આજ સુધી મોટા પાયે કોઈ ચર્ચા કરવા ઊભું ન હતું.
માટે જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં શિક્ષણનો મુદ્દો હાથોહાથ લઈને સરકાર સામે અનેક મુશ્કેલીઓ ઊભી કરીને જનતાનો મૂડ પોતાના તરફ ખેંચશે તે ચોક્કસ છે.